જામનગર: ચોમાસાની સીઝન પૂર્ણ થતા જ તહેવારો શરૂ થઇ ગયા છે. હાલ સમગ્ર ગુજરાતીઓ નવરાત્રી(Navratri)ના પર્વ નિમિતે માતાજીની આરાધના કરી રહ્યાં છે ત્યારબાદ દિવાળીનો તહેવાર આવશે. ગુજરાતની જનતા વેપારી અને મેળાવળા સ્વભાવની છે. ગુજરાતીઓ પોતાની મીઠી વાણી અને શાંત સ્વભાવને કારણે દરેક લોકોનું દિલ જીતી લેતા હોય છે. એટલા માટે જ તો સમગ્ર ભારતમાંથી વિવિધ ધર્મ અને રાજ્યના લોકોની પહેલી પસંદ ગુજરાત હોય છે જેમ કે મારવાડી, બંગાળી કે કેરળ હોય. ગુજરાતમાં ધંધાર્થે આવેલા અન્ય રાજ્યના લોકો પણ પોતાના ધર્મ અને રાજ્યના તહેવારોની ગુજરાતમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરતાં હોય છે. આવા જ બંગાળી લોકો દ્વારા પોતાના સૌથી મોટા તહેવાર દુર્ગાપુજાની ઉજવણી કરી રહ્યાં છે. જામનગરમાં બંગાળી પરિવારો દ્વારા દુર્ગાપુજાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સોના-ચાંદી ક્ષેત્રે મોટાભાગની દુકાનોમાં બંગાળી લોકો જોવા મળે છે. બંગાળી લોકો ઘરેણાની ડિઝાઇન અને કારીગરાઇ માટે જાણીતા છે. સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને રાજકોટ અને જામનગરના જ્વેલરી માર્કેટમાં બંગાળી લોકો વધુ સંકળાયેલા હોય છે. ત્યારે બંગાળી લોકોનો મોટો તહેવાર દુર્ગાપુજાની ઉજવણી જામનગરમાં ચાંદી બજારમાં કરવામાં આવી રહી છે. અહીં ચાંદી બજાર સર્કલ પાસે બંગાળી પરિવારો દ્વારા પંડાલની સ્થાપના કરવામાં આવી છે. ચાર દિવસ સુધી ચાલતા આ ઉત્સવમાં બંગાળી પરિવારો હોશભેર ભાગ લે છે અને માતાજીની પુજાઅર્ચના કરી આશિર્વાદ પ્રાપ્ત કરે છે.
જામનગરના ચાંદીબજારમાં છેલ્લા 25 વર્ષથી દુર્ગાપુજાનું આયોજન કરવામાં આવે છે. આ દુર્ગાપુજાનું આયોજન કરનારા દિલિપભાઇનું કહેવું છે કે તેઓ ખાસ બંગાળથી પુજારી અને ઢોલ બોલાવે છે અને સંપૂર્ણ રીતિરિવાજ પ્રમાણે દુર્ગાપુજાનું આયોજન કરવામાં આવે છે. એટલું જ નહીં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે.