Kishor chudasama, Jamnagar: જામનગરની પ્રજા પહેલીથી જ સ્વાદ શોખીન પ્રજા છે. જેમાં પણ જામનગરના ઘૂઘરાના સ્વાદની તો વિદેશમાં પણ ઓળખ છે. જામનગરમાં શેરી, ગલીએ અને ઠેકઠેકાણે ઘૂઘરા વેંચાઈ રહ્યા છે. જામનગરના ચટકેદાર ઘૂઘરા બાળકોથી માંડી, યુવાઓ અને વૃદ્ધ ની પહેલી પસંદ બન્યા છે. લોકો મીઠી, લીલી અને તીખી ચટણી સાથે લોકો મોજથી ઘૂઘરા આરોગે છે. એટલું જ નહીં બાબુભાઇના ઘૂઘરા ખાવા માટે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પહોંચી જવું પડે, કારણ કે ભીડ એટલી હોય છે કે કેટલીકવાર ગ્રાહકને ધક્કો થાય છે. આથી જ અહીં એવું પણ કહેવાય છે કે બાબુભાઇના ઘૂઘરા નસીબમાં હોય તેને જ ખાવા મળે.
3 પેઢીથી ઘૂઘરાના વ્યવસાય સાથે સંકળાયેલો પરિવાર
આ સ્વાદ શોખીન જામનગરમાં આવેલ પંચેશ્વર ટાવર પાસે બાબુભાઇ ઘૂઘરાવાળાની લારી આવેલી છે. જેના ઘૂઘરાનો સ્વાદ જામનગરવાસીઓને છેલ્લા 48 વર્ષથી દાઢે વળગ્યો છે. બાબુભાઇ ઘૂઘરાવાળાના હીનાબેન અતુલભાઈ રાઠોડે જણાવ્યું કે તેઓ છેલ્લી 3 પેઢીથી ઘૂઘરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
જેનો પરિવાર ઘૂઘરામાંથી જ રોજીરોટી મેળવે છે. આ ઘૂઘરાની ભિન્નતા એ છે કે સામાન્ય રીતે ઘૂઘરા બટેટા અને વટાણાના બનતા હોય છે પરંતુ અને અહીં કઠોળના ઘૂઘરા બને છે. મગ અને ચણા દાળના ઘૂઘરા બને છે. વિદેશી મહેમાનો પણ આ ઘૂઘરાનો સ્વાદ ચાખવા માટે આવે છે.
જામનગરના ઘૂઘરા વિશ્વમાં પ્રખ્યાત
જામનગરના ઘૂઘરામાં વિશ્વ વિખ્યાત હોવાથી જામનગરના અનેક લોકો અન્ય જિલ્લામાંથી પણ આ શહેરમાં સ્થાયી થઈ ઘૂઘરા વેચી પોતાની રોજીરોટી મેળવે છે. જામનગરમાં ચાંદી બજાર, લીંડી બરા, પંચેસ્વર ટાવર , ડિકેવી, તળાવની પાળ, લાલબંગલા સહિત તમામ વિસ્તારના ઘૂઘરા ફેમસ છે. જ્યા અન્ય રાજ્ય અને જિલ્લાના લોકો જામનગરની મુલાકાતે આવે છે ત્યારે પહેલા તે ઘુઘરનો સ્વાદ માણે જ છે.