Kishor chudasama, jamnagar: જામનગરના આયુર્વેદ સંસ્થાન દ્વારા રાજ્યના પ્રથમ ધાન્ય ફૂડ એક્સપોનું જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરની સ્વાદ શોખીન પ્રજા માટે સ્વાસ્થ્યવર્ધક ફાસ્ટ ફૂડ પીરસવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ દરમિયાન રાગી, જુવાર, બાજરા, ખીંચુ જુવારના પીઝા, ફાલૂદા જેવી અનેક વસ્તુઓ પીરસવામાં આવશે. આગામી તારીખ 18 થી લઇ અને 21 માર્ચ દરમ્યાન સ્વાસ્થ્યવર્ધક એક્સપો યોજાશે.
શરીરને પણ નુકસાન ન પહોંચે અને સ્વાદ પણ જળવાઈ રહે તેવા ભાવથી આયોજન
આજના યુવાધનને પીઝા બર્ગર સહિતના ફાસ્ટ ફૂડનું ગજબનું ઘેલું લાગ્યું છે. જેના પરિણામે કેન્સર સહિતના જીવલેણ રોગોનું પણ પ્રમાણ વધ્યું છે. ત્યારે કેમિકલવાળા આવા ખાદ્યપદાર્થોને આયુર્વેદ શાસ્ત્રએ 'રોગનું ઘર' માન્યા છે. આથી શરીરને પણ નુકસાન ન પહોંચે અને સ્વાદ પણ જળવાઈ રહે તેવા ભાવ સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા ધનવંતરી મેદાનમાં હેલ્થ એન્ડ મીલેટ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે.
225 વિધાર્થીઓ દ્વારા બનાવાઈ હેલ્ધી ફૂડ આઈટમ
લોકોને ધાન્યની વિવિધ વાનગીઓ અને ધાન્યના ફાયદાથી પરિચિત કરાવવા આ આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારા આ એક્સપોમાં ફાર્મસી વિભાગના 225 વિધાર્થીઓ દ્વારા રાગીની પાપડી, મિલેટ્સ દહીં વડા, રાગી, જુવાર, બાજરા ખીચુ, જુવારના પીઝા, મિલેટ નાચોઝ, સરગમના જાંબુ, મિલેટ્સ ફલૂદા, મિલેટ્સ રબડી,મિલેટ્સ આઇસ્ક્રીમ સહિતની વસ્તુઓ બનાવવામાં આવશે. વધુમાં ખાખરા, બિસ્કિટ,બરફી સહિતની વસ્તુઓ બનાવમાં આવશે. 80 જેટલી પેકેટ ફૂડ આઇટમો અને 500 વાનગીઓમાંથી પસંદ કરાયેલી 86 વાનગીઓ પસંદ કરાઈ છે.