જામનગરના અનેક પરિવારો બેટ અને સ્ટમ્પ બનાવવા માટેના ધંધા સાથે સંકળાયેલા છે.
જામનગરમાં અરડૂસીનાં લાકડામાંથી બેટ બનાવવામાં આવે છે. આ બેટની પહેલા માંગ હતી. પરંતુ હાલ માંગ ઘટી ગઇ છે. 50 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી બની છે.
Kishor Chudasama, Jamnagar: ક્રિકેટ ક્ષેત્રે જામનગરે ડંકો વગાડ્યો છે. જેના કારણે નવી પેઢીમાં ક્રિકેટની ચાહત અલગ જ પ્રકારની છે. ત્યારે જેને લઈને બેટ, બોલ, સ્ટમ્પ સહિતની ક્રિકેટની સામગ્રીઓનું પણ જામનગરમાં સારું એવું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ હાલ આવી વસ્તુઓની માંગમાં ઘટાડો આવ્યો હોવાથી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ઉપાદીના વાદળો ઘેરાયા છે.
અરડૂસીના લાકડા માંથી બેટનું નિર્માણ
ક્રિકેટનાં કાશી ગણાતા જામનગરના જનતા ફાટક વિસ્તારમાં અનેક પરિવારો બેટ અને સ્ટમ્પ બનાવવાનાં ધંધા સાથે સંકળાયેલા છે. બહારથી અરડૂસીનું લાકડું મંગાવી બેટ બનાવે છે. જેની સારી એવી માંગ રહેતી હતી.લાકડામાંથી બેટનું નિર્માણ કરી આ પરિવારો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ કંપનીના બેટ આવતા હાથ બનાવટના બેટની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
50 વર્ષથી કામગીરી સાથે સંકળાયેલા પુરીબેને જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી હાથ બનાવટના બેટ બનાવી વેચી રહ્યા છે. અગાઉના સમયમાં લાકડાની મહિને ત્રણ-ત્રણ ગાડીઓ ખાલી કરી અને બેટ બનાવતા હતા અને તેનું વેચાણ થઈ જતું હતું. પરંતુ હાલની સ્થિતિએ એક ગાડી પણ વેચાણ થતું નથી.
100 રૂપિયાથી લઈને 360 રૂપિયા સુધીના બેટ મળે
કંપનીના બેટ કરતા હાથ બનાવટના બેટ મજબૂત હોવા છતાં પણ ખેલાડીઓનો ઝુકાવ ઘટયો છે. હાલ ડિઝાઇન વાળા બેટ 350 રૂપિયા, 280 મીડીયમ બેટ અને 360, 250, 240, 150 અને 100 રૂપિયાની કિંમતના બેટનું વેચાણ થઈ રહ્યું છે.