Home /News /jamnagar /પ્રેમ પ્રકરણમાં ભાઇ-બહેનનું અપહરણ, પોલીસે આખા સૌરાષ્ટ્રમાં નાકાબંધી કર્યા બાદ ફાયરિંગ
પ્રેમ પ્રકરણમાં ભાઇ-બહેનનું અપહરણ, પોલીસે આખા સૌરાષ્ટ્રમાં નાકાબંધી કર્યા બાદ ફાયરિંગ
સ્કોર્પિયો કારને ભાદરા પાટીયા પાસે પોલીસે રોકતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવનારા બનાવની વિગત એવી છે કે મોરબીમાંથી એક યુવતી અને તેના ભાઈનું અપહરણ કરીને જી.જે. 36 એ.એફ. 0786નંબરની સ્કોર્પિયો કારમાં જામનગર જિલ્લામાં ઘુસી રહ્યા છે
કિંજલ કારસરીયા, જામનગર: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામ પાસે પોલીસ દ્વારા કરવામાં આવેલી નાકાબંધી દરમ્યાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મોરબીમાંથી એક યુવતી અને તેના ભાઈનું અપહરણ કરાયુ હતું. જોકે જામનગર જિલ્લામાં ઘુસેલી સ્કોર્પિયો કારને પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાર ચાલકે પોલીસ પાર્ટી પર કાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જેના વળતા જવાબમાં પોલીસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું દરમિયાન કારમાંથી બે આરોપીઓ ઉતરીને ભાગી છુટ્યા હતા. જેનો પોલીસ દ્વારા જુદા-જુદા બાઇકમાં ચાર કિલોમીટર સુધી પીછો કરાયો હતો અને બંનેને દબોચી લેવાયા છે. જે બંને આરોપીઓ સામે પોલીસ પાર્ટી પર કાર ચડાવી દઈ ખૂનની કોશિશ કરવા અંગે ગુનો નોંધ્યો છે અને વધુ પૂછપરછ હાથ કરી છે.
જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવનારા બનાવની વિગત એવી છે કે મોરબીમાંથી એક યુવતી અને તેના ભાઈનું અપહરણ કરીને જી.જે. 36 એ.એફ. 0786નંબરની સ્કોર્પિયો કારમાં જામનગર જિલ્લામાં ઘુસી રહ્યા છે, જે બાતમી મોરબી પોલીસે જોડિયા પોલીસને આપી હતી, તેથી જોડિયાના પી.એસ.આઇ રવિરાજસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્રારા ભદ્રા પાટિયા પાસે નકાબંધી કરી દીધી હતી.
આ દરમિયાન સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે સ્કોર્પિયો કાર ધસી આવી હતી. પોલીસને જોઈને વધુ સ્પીડમાં કાર પોલીસ પાર્ટીને કચડી દેવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસ પાર્ટી સાઈડમાં ખસી ગઈ હતી. જે દરમિયાન જોડિયાના પીએસઆઇ આર. ડી. ગોહિલે પોતાની સર્વીસ રિવોલ્વરમાંથી કાર ઉપર ફાયરિંગ કર્યા હતા. જે પૈકી બે ગોળીઓ કારની પાછળની બોડીમાં ઘૂસી ગઇ હતી. જોકે જેના કારણે કોઈને ઈજા થઈ ન હતી, જ્યારે ત્રીજો રાઉન્ડ મિસ ફાયર થયું હતું.
પોલીસના આ ફાયરિંગને લઈને કારમાં બેઠેલા બે શખ્સો કે જેઓ ડઘાઈ ગયા હતા અને થોડે દૂર કારને રેઢી મૂકી ભાગી છુટ્યા હતા. આ ઘટના પછી જોડિયાના પી.એસ.આઇ.આર.ડી. ગોહિલ અને તેમની ટીમ દ્વારા જુદા-જુદા બાઇક લઈને વાડી વિસ્તારમાં ભાગી છુટેલા આરોપીઓનો પીછો કર્યો હતો. સતત 4.30 કિલોમીટરની દોડધામને લઈને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને આખરે કેશિયા ગામની સીમમાંથી બંને આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા.
પોલીસને મળેલી બાતમી મુજબ બંને આરોપીઓ કે જેઓએ પ્રેમ પ્રકરણના કારણે મોરબીમાંથી એક યુવતીનું અપહરણ કર્યું હતું, સાથે સાથે તેણીના ભાઈનું પણ અપહરણ કર્યું હતું. દરમિયાન મોરબી પોલીસને જાણ થઈ જતાં બંને સામે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો, અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાં નાકાબંધી કરવામાં આવી હતી. જે બંને આરોપીઓ મોરબીથી જામનગર જિલ્લામાં ઘુસ્યા હોવાથી જોડિયા પોલીસ તંત્રને એલર્ટ કરાયું હતું અને ભાદરા પાટીયા પાસે કાર સહિત આરોપીઓ ધસી આવતા સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો. હાલ બંને આરોપીઓને જોડિયા પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે. આ બનાવની જાણ થવાથી મોરબીની પોલીસ ટીમ પણ જોડિયા પહોંચી છે અને બંને આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને જામનગર જિલ્લાના પોલીસબેડામાં ભારે ખળભળાત મચી ગયો છે.