વાપીમાં રહેતો પરમવીર પોતાની મોગલી સાયકલ લઈને ભારતભ્રમણ પર નીકળ્યો છે. અત્યાર સુધીમાં તે બે હજારથી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યો છે અને હવે તે જામનગર આવી પહોંચ્યો છે.
જામનગર: આજના મહામારીના યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા દાખવતા નથી, ખાસ કરીને જ્યારથી કાર, બાઇકની સુવિધા આવી છે, લોકો ચાલવાનું ભૂલી જ ગયા છે. ઓફિસ હોય કે પછી કોઈ કામ હોય, વાહનમાં જ પ્રવાસ કરવાનો અભિગમ દાખવી રહ્યાં છે અને સાયકલને સાવ ભૂલી જ ગયા છે. ત્યારે લોકોને સાયકલ ચલાવતા કરવા માટે વિશ્વમાં મોટા પ્રમાણમાં અભિયાનો પણ ચલાવવામાં આવે છે. આવો જ એક નાનો પ્રયાસ વાપીમાં રહેતા પરમવીરે હાથ ધર્યો છે. પરમવીર પોતાની મોગલી સાયકલ લઈને ભારતભ્રમણ પર નીકળ્યો છે. અત્યાર સુધીમાં તે બે હજારથી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડી ચૂક્યો છે અને હવે તે જામનગર આવી પહોંચ્યો છે. તો પરમવીર સાથે ન્યૂઝ18 લોકલે ખાસ વાતચીત કરી હતી.
સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્યને તો ફાયદો થાય જ છે, સાથે સાથે પર્યાવરણને પણ કોઇ નુકશાન થતું નથી. આથી લોકો જાગૃતિ અર્થે યુવાને આ બીડું ઝડપ્યું છે અને વાપીથી સાયકલ લઇને નીકળેલા પરમવીર નામના 28 વર્ષીય યુવાને પોતાની હાથે અનોખી સાયકલ બનાવી છે. જે 2 હજાર કિમીનું અંતર કાપી જામનગર આવી પહોંચ્યા છે. ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, મેં મારા સફરની શરૂઆત 22 માર્ચે કરી હતી, અત્યાર સુધીમાં મેં બે હજારથી વધુ કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે. હવે સૌરાષ્ટ્રમાં ફરી રહ્યો છું. જ્યારથી હું સૌરાષ્ટ્રમાં આવ્યો છું, ત્યારથી લોકોનો સારો પ્રેમ મળી રહ્યો છે. અહીંના લોકો ખુબ જ પોઝિટિવ, સપોર્ટિવ છે. મને અહીં રહેવા-ખાવાની કોઇ તકલીફ પડવા દીધી નથી.
ત્રણ વ્હીલવાળી સાયકલ પોતે જાતે તૈયાર કરી
લોકોમાં સાયકલ પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી તેણે ભારત ભ્રમણની સાયકલ યાત્રા શરૂ કરી છે. એટલું જ નહીં આ માટે તેણે જાતે જ ત્રણ વ્હીલવાળી સાયકલ તૈયાર કરી છે, જેમાં તે આ યાત્રા કરી રહ્યો છે. પરમવીરે આ ખાસ સાયકલનું નામ મોગલી રાખ્યું છે. આ ત્રણ વ્હીલવાળી સાયકલની લંબાઈ 9.5 ફૂટ છે. હું ભારત ભ્રમણ કરવા માટે શક્ય હોય તેટલા ગામડા અને શહેરમાં જાવાનો પ્રયાસ કરું છું. હાઇવે પર મુસાફરી ઓછી કરું છું.