પૂર પહેલાં પાળ: પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠક યોજાઈ
જામનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આગામી ચોમાસાને અનુલક્ષીને જિલ્લામાં ઓછામાં ઓછી જાન માલની નુકસાની થાય તેમજ જનજીવન અસરગ્રસ્ત ન બને તે હેતુથી સંલગ્ન તમામ વિભાગો સાથેની પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
Sanjay Vaghela, Jamnagar: ગત વર્ષે જામનગર (Jamnagar) માં ચોમાસા (Monsoon) માં જે પૂર (Flood) ની સ્થિતિ સર્જાઈ હતી, તે આજે પણ જામનગરવાસીઓને યાદ છે. એક જ રાતમાં પડેલા અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતા. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પૂરની સ્થિતિ ન સર્જાઈ તે માટે કલેકટર (Collector office Jamnagar) કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આગામી ચોમાસાને અનુલક્ષીને જિલ્લામાં ઓછામાં ઓછી જાન માલની નુકસાની થાય તેમજ જનજીવન અસરગ્રસ્ત ન બને તે હેતુથી સંલગ્ન તમામ વિભાગો સાથેની પ્રી-મોનસુન (Pre monsoon work) કામગીરી અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જામનગર શહેર સ્થિત તમામસરકારી વિભાગોના અધિકારીઓ હજાર રહ્યા હતા અને જરૂરિ સૂચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા કલેકટરએ વિવિધ વિભાગના અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાંના કારણે જાન માલનું નુકસાન અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી. તેમજ વિભાગો દ્વારા હાથ ધરાઇ રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં કલેકટરએ લગત વિભાગોને રેસક્યુ, સર્વે તથા સર્ચ ટીમ તૈયાર રાખવા, આશ્રય સ્થાનો તૈયાર કરવા, પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોની યાદી બનાવવા, માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવા, તરવૈયા તેમજ આપદા મિત્રોની યાદી બનાવવા, બુલડોઝર, જે.સી.બી., ટ્રક સહિતના સાધનો તૈયાર રાખવા, વીજ પુરવઠો જળવાય તેની તકેદારી રાખવા, દરિયાકાંઠે જરૂરી સિગ્નલો લગાવાવા, જર્જરિત ઇમારતો તથા ભયજનક વૃક્ષો દૂર કરવા, રેસ્ક્યું માટેના વાહનોની યાદી બનાવવા, ડી.ડી.ટી. છંટકાવ, વોટર કલોરીનેશન તેમજ જરુરી દવાઓનો જથ્થો અનામત રાખવા વગેરે બાબતે સૂચન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીએ શું આપ્યું સૂચન ?
તો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે પણ કેટલાક સૂચનો આપ્યા હતા, જેમાં લોકોને જળ પ્રવાહની આગોતરી જાણ કરવા, ફૂડ પેકેટ માટે સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન કરવા, મૃત પશુઓના યોગ્ય નિકાલ કરવા, વિવિધ તાલુકાઓમાં NDRF, SDRF ના જવાનો માટે આશ્રય સ્થાન સુનિશ્વિત કરવા સહિતની બાબતે સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરએ પાણીનો પ્રવાહ વધે, ડેમ ઓવરફ્લો થાય કે પાણીનો ભરાવો થાય તેવા સંજોગોમાં તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં જાણ કરી શકાય તે હેતુથી વોર્નિંગ સિસ્ટમ અમલમાં મૂકવા સૂચન કરી દરેક ગામોની સંપર્ક યાદી બનાવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પણ જણાવ્યું હતું.