Kishor chudasama, Jamnagar: કોરોના કહેર બાદ લોકોના જીવનમાં ધડમૂડથી પરિવર્તન આવ્યા છે. જેને પગલે લોકોમાં સ્વાસ્થ પ્રત્યે જાગૃતિ આવી છે. આવી સ્થિતિ વચ્ચે લોકો હવે દેશી પ્રવૃત્તિ તરફ વળ્યા છે. જેમાં ઓર્ગેનિક ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ લોકોમાં જરૂરી જાગૃતિ આવી છે. ત્યારે જામનગરનું દંપતી લોકો માટે પથદર્શક બન્યું છે. જેઓ સરકારી નોકરી સાથે પશુપાલનનો વ્યવસાય કરી કમાણી કરી રહ્યા છે.
15 વર્ષથી પશુપાલન સાથે પણ સંકળાયેલા દંપતી
જામનગર રહેતા અને મૂળ અલિયાબાડાના વતની રાજેશભાઈ આહીર કે જેઓ ગુજરાત એસટી વિભાગમાં જામનગર ટ્રાફિક કંટ્રોલ તરીકે સેવા બજાવે છે આ ઉપરાંત તેમના પત્ની પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
સરકારી કર્મચારી તરીકે સેવા બજાવતા દંપતીને ગાયો પ્રત્યે અનેરો લગાવ છે. સાથે તેમનો નાનો ભાઈ આશિષ આહીર પણ પ્રવૃત્તિમાં સાથ આપે છે.આ તતેઓ છેલ્લા 15 વર્ષથી પશુપાલન સાથે પણ સંકળાયેલા છે. હાલ તેમની પાસે 18 થી 20 જેટલી ગીર ગાયો છે. નોકરો પૂર્ણ કર્યા બાદ દંપતી ગાયોની સેવા કરી સમય વિતાવે છે.
શરૂ કરી ગાય આધારિત ખેતી
તેઓને પશુપાલનનો અનેરો શોખ અને લગાવ છે આથી નોકરીની સાથે આ વ્યવસાય પણ કરે છે. પ્રથમ 2 ગાયો રાખી હતી. ત્યારબાદ ઘી અને દૂધની મિત્ર સર્કલમાં માંગ વધતા ગાયોની સંખ્યામાં ક્રમશ વધારો કર્યો છે. હાલ દૂધ 70 રૂપિયા લીટર અને ઘી 1600 રૂપિયા પ્રતિ કિલોએ વેંચાણ કરી રહ્યા છે. એટલું જ નહીં એ દૂધ ઘીનું જામનગર ઉપરાંત છેક અમદાવાદ ખાતે પણ વેચાણ કરી રહ્યા છે.
હાલ તેમની ગીર ગાયના ઘી અને દુધની જામનગરમાં મોટી માંગ છે. ઉલ્લેખનિય છે કે આ દંપતીને અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે. એટલું જ નહીં ખેતીમાં પણ છાશ, ગૌમૂત્રનો ઉપયોગ કરી કપાસ સહિતના પાકમાં 35 મણ જેટલું મોટુ ઉત્પાદન મેળવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરનું દંપતી સરકારી નોકરી સાથે પશુપાલનનો વ્યવસાય કરી કમાણી કરી રહ્યા છે.