જામનગર: હાલ સમગ્ર રાજ્યમાં લોકો નવરાત્રી (Navratri 2021)ના રંગે રગાયા છે. લોકો ગરબા ગાયને માતાજીની આરાધના કરી રહ્યાં છે. કહેવાય છે કે ગરબે રમીને જો માતાજીની પુજા અર્ચના કરવામાં આવે તો માતાજી વધુ પ્રસન્ન થાય છે. આ વખતે ભલે પાર્ટી પ્લોટ ગરબાને મંજુરી આપવામાં આવી ન હોય પરંતુ હકિકતમાં ગરબાની પ્રાચીનતા આજે પણ શેરી ગરબાઓએ જાળવી રાખી છે. કેટલાક એવા શેરી ગરબા છે જેનું આયોજન છેલ્લા 80થી 100 વર્ષથી થાય છે. આ પ્રકારના ગરબાઓએ પોતાની ખાસિયત જાળવી રાખી અનોખી રીતે માતાજીની આરાધના કરી રહ્યાં છે. આવા જ એક અનોખા ગરબાનું આયોજન જામનગરના કંસારા બજારમાં સ્થિત શ્રી મહાકાળી મંદિરના પટાંગણમાં થાય છે.
જામનગરના સૌથી જાણીતા વિસ્તાર એવા કંસારા બજારમાં અંદાજે 100 વર્ષ જૂનું શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. અહીં છેલ્લા 75થી 80 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જો કે અન્ય ગરબા કરતાં અહીં થતા ગરબા થોડા નહીં પરંતુ સાવ અલગ છે કારણ કે અહીં લાઉડ સ્પીકર વગર માત્ર વાંજીત્રોના આધારે ગરબા ગવાય છે. એટલું જ નહીં અહીં શાસ્ત્રીય રાગ પર ગરબા ગવાય છે.
શ્રી મહાકાળી ગરબી મંડળના સંચાલક ચેતનભાઇ સોલંકીએ જણાવ્યું કે અહીં સંપૂર્ણપણે પારંપરીક ઢબે ગરબી યોજાય છે. સાથે સાથે અહીં ગરબે રમતી બાળાઓ પોતે શાસ્ત્રીય રાગ આધારીત તૈયાર કરવામાં આવેલા ગરબા ગાય છે અને ગરબે રમે છે. તો વાજીંત્રો વગાડનાર કલાકારો પણ શાસ્ત્રીય સંગીતથી સજ્જ હોય છે. આ શાસ્ત્રીય ગરબાની રચના કલ્યાણજીભાઇ પરમારે કરી હતી. એમની સાથે જામનગર જ નહીં પરંતુ સમગ્ર દેશનું ગૌરવ કહી શહાય એવા સંગીત રત્નો આદિત્ય રામજી જેઓએ ઘરાનો સ્થાપિત કરેલો, ચતરનજી બારડ, મનુભાઇ છાટબાર, અનીલભાઇ ભટ્ટ જેવા મહાન સંગીતકારો દ્વારા આ શાસ્ત્રીય ગરબાની રચનાઓ તૈયાર કરવામાં આવી છે.
આ મહાકાળી મંદિરે પહેલા સંગીતના ખેરખાંઓ દ્વારા ગોષ્ટી કરવામાં આવતી હતી, ત્યારબાદ તેઓને વિચાર આવ્યો કે શાસ્ત્રીય સંગીતના રાગ આધારે પણ ગરબી થવી જોઇએ. આમ આ શાસ્ત્રીય ગરબીની શરૂઆત થયેલી. આ ગરબી કરવાનો હેતુ નાની નાની બાળાઓના મગજમાં નાનપણથી જ સંસ્કૃતિનું સંચય થાય અને તેમને પારંપરિક સંગીતથી પરિચર કરાવવામાં આવે.