ઘર હોય કે કામના સ્થળે મહિલાઓનું શોષણ થયાની અનેક ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. ત્યારે સરકાર દ્વારા મહિલા પર થતા અત્યાચારને અટકાવવા 181 અભયમ સેવાની શરૂઆત કરી છે. જેમાં મહિલાઓ મુશ્કેલીના સમયમાં સીધો જ સંપર્ક કરીને મદદ મેળવી શકે છે. ત્યારે હજુ પણ અનેક મહિલાઓને 181ના કામથી અજાણ છે, તો આ સેવા કેવી રીતે કામ કરે છે તેના વિશે માહિતી મેળવીએ...
જામનગર: છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની છે. જો કે પહેલા સ્થિતિ એવી ન હતી. મહિલાઓને ઘરની ચાર દિવાલમાં જ રહેવા મજબૂર હતી, આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવી છે અને ઘરની સાથે પરિવારની જવાબદારી ઉપાડી છે. જોકે આજની 21મી સદીમાં પણ મહિલાઓને ડગલેને પગલે દરેક જગ્યાએ શોષણનો ડર તો છે. ત્યારે આ શોષણ અટકાવવા સરકાર દ્વારા 181 હેલ્પલાઇન શરૂ કરાઇ છે. જે મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે અને જામનગર જિલ્લામાં 8 વર્ષમાં 30461 કેસો સામે આવ્યા છે. જેમાં સફળ કાઉન્સેલીંગ બાદ ટીમ 181 6906 મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ બની છે.
ઘર હોય કે કામના સ્થળે મહિલાઓનું શોષણ થયાની અનેક ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. ત્યારે સરકાર દ્વારા મહિલા પર થતા અત્યાચારને અટકાવવા 181 અભયમ સેવાની શરૂઆત કરી છે. જેમાં મહિલાઓ મુશ્કેલીના સમયમાં સીધો જ સંપર્ક કરીને મદદ મેળવી શકે છે. ત્યારે હજુ પણ અનેક મહિલાઓને 181ના કામથી અજાણ છે. તો આ સેવા કેવી રીતે કામ કરે છે તેના વિશે માહિતી મેળવીએ.
ભાગ્યે જ કોઇ મહિલા એવી હશે જેની પાસે આજે સ્માર્ટફોન નહીં હોય. ત્યારે ટેક્નોલોજીની મદદથી પણ મહિલાઓને મુશ્કેલીના સમયમાં તાત્કાલીક મદદ મળી રહે તે માટે સરકારે 181 એપ્લિકેશન પણ બનાવી છે. જેમાં મહિલાઓ પોતાનું નામ-સરનામુ અને બે ઈમરજન્સી નંબર નાખવાના હોય છે. આ એપ્લિકેશનની મદદથી 181ની ટીમ મુશ્કેલીના સમયે તેને સરળતાથી ટ્રેક કરી તેના સુધી પહોંચી શકે છે. જામનગરમાં 181ની ટીમ દ્વારા અત્યાર સુધીમાં હજારો મહિલાઓની મદદ કરી છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરી છે.
સામાન્ય રીતે અભયમની ટીમને ઘરેલુ હિંસાના વધુ કેસ જોવા મળતાં હોય છે, જેમાં પતિ કે સાસરીયા દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોય છે. જો કે ઘણીવાર મહિલાઓ હિમ્મત કરીને 181 ટીમનો સંપર્ક કરતી હોય છે, જેમાં સૌપ્રથમ 181ની ટીમ આ મહિલા સુધી પહોંચે છે, ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેમ છતાં જો મહિલાની ઇચ્છા હોય તો સમાધાન કરવામાં આવે છે. સમાધાન કર્યા બાદ પણ સમાંયતરે મહિલાની સ્થિતિનું ફોલોઅપ પણ લેવામાં આવે છે. તો ઘણીવાર પારિવારિક ત્રાસ કે માનસિક રીતે બીમાર મહિલાઓની મદદ પણ 181ની ટીમ દ્વારા કરવામાં આવે છે. જેમાં તેના રહેવા-જમવાની સુવિધા અને તેને પરિવાર સુધી પહોંચાડવા સુધીની કામગીરી નિશુલ્ક રીતે કરવામાં આવે છે.