Kishor chudasama, Jamnagar: જામનગરના રણમલ તળાવ પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂનને 58 વર્ષ પુર્ણ થઇ ગયાં છે. જામનગર શહેરની મધ્યમાં આવેલું બાલા હનુમાનજી મહારાજનું મંદિર પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરે ચાલતી અખંડ રામધૂન જગવીખ્યાત છે. યુદ્ધ, ભૂકંપ આવે કે વાવાઝોડું કે પછી કોરોના મહામારી, છેલ્લા 58 વર્ષથી અહીં અખંડ રામ ધૂન ચાલે છે. ત્યારે હવે આ મંદિરના ટ્રસ્ટી દ્વારા રામનવમીથી રામનામ જાપ જાપનું લખાણ શરૂ કરાયું છે. જેના ભાગરૂપે શહેરમાં 5 થી 7 હજારની નોટબુકો છપાવવા અપાઈ છે અને તેનું વિનામૂલ્યે વિતરણ કરાશે. બાદમાં રામભક્ત શહેરીજનો પાસેથી રામ નામના જાપ કરી બુક ઉઘરાવવામાં આવશે. એકાદ વર્ષમાં 13 કરોડ જેટલા મંત્ર ભેગા થાય તેવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે.
શનિવારે જામે છે ભક્તોની ભીડ આ મંદિરે શનિવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. બાલાહનુમાન મંદિરે દરરોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ જોડાય છે, હનુમાનજીના પ્રિય તહેવાર એવા શનિવારના દિવસે ખાસ આરતી કરવામાં આવે છે. જે સવારે 7 અને સાંજે પણ 7 વાગ્યે આરતી કરવામાં આવે છે. શનિવારે ફરાળ પ્રસાદ પણ આપવામાં આવે છે. શનિવારના દિવસે બાલા હનુમાન મંદિરે વધુ ભીડ જોવા મળે છે.
કેવી રીતે થઈ અખંડ ધૂંની શરૂઆત ? જામનગરમાં આવેલા તળાવની પારના કાંઠે સ્થિત બાલા હનુમાનજી મહારાજના મંદિરે તારીખ 01/08/1964ના રોજ આ અખંડ રામધૂનની શરૂઆત થઈ હતી. પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામ, જય રામ, જય જય રામ અખંડ રામ ધૂન શરુ કરવામાં આવી હતી. હજું પણ અખંડ રામધૂન ચાલુ જ છે. દિવસ રાત ચાલતી આ અખંડ રામધૂનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness world records)માં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. દરેક આફતમાં પણ ચાલુ રહે છે. રામધૂન છેલ્લા 58 વર્ષથી દિવસરાત ચાલતી આ અખંડ રામધૂન ભૂકંપ આવે કે વાવાઝોડું કે પછી કોરોના જેવી મહામારી આવે પરંતુ મંદિરના પરિશરમાં સતત રામધૂન ચાલુ રહે છે. હાલમાં જ કોરોના મહામારી દરમિયાન પણ રામધૂન ચાલુ જ હતી જો કે ભક્તોને પ્રવેશ નહોતો આપવામાં આવ્યો પરંતુ મંદિરના સંચાલકો દ્વારા રામધૂન ચાલુ રખાઈ હતી.