Home /News /ipl /IPL 2022: આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સતત કેમ હારી રહી છે? પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જણાવ્યું કારણ
IPL 2022: આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સતત કેમ હારી રહી છે? પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જણાવ્યું કારણ
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022માં અત્યાર સુધી સતત ચાર મેચ હારી ગઈ છે. (રોહિત શર્મા ઇન્સ્ટાગ્રામ)
IPL 2022: ભૂતપૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે (Irfan Pathan) મુંબઈ પરત ફરવાની અને 2015ના પરાક્રમનું પુનરાવર્તન કરવાની શક્યતાને નકારી કાઢી છે. તેણે તે નબળાઈઓ પર પ્રકાશ પાડ્યું છે જેના કારણે ટીમ સતત મેચ હારી રહી છે.
પાંચ વખત આઈપીએલ (IPL)નો ખિતાબ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) 15મી સિઝનમાં પોતાની પ્રથમ જીત માટે ઉત્સુક છે. શનિવારે પુણેમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) મુંબઈને 7 વિકેટે હરાવ્યું હતું. IPL 2022માં રોહિત શર્માની ટીમની આ સતત ચોથી હાર હતી. ચાર મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફમાં ન પહોંચવાનું જોખમ છે. જોકે ટીમનો ઈતિહાસ ધીમી શરૂઆત અને પાછળથી પુનરાગમનનો રહ્યો છે. આવો જ કરિશ્મા 2015માં મુંબઈ ઈન્ડિયન્સે કર્યો હતો. જોકે ભૂતપૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે (Irfan Pathan) મુંબઈ પરત ફરવાની અને 2015ના પરાક્રમનું પુનરાવર્તન કરવાની શક્યતાને નકારી કાઢી છે. તેણે તે નબળાઈઓ પર પ્રકાશ પાડ્યું છે જેના કારણે ટીમ સતત મેચ હારી રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં ચાર વખત એવું બન્યું છે કે જ્યારે ટીમ સતત ચાર મેચ હારી ગઈ હોય. વર્ષ 2008, 2014, 2015 અને 2022 એવા વર્ષો છે જ્યારે મુંબઈ સતત ચાર મેચ હારી ગયું હતું. તેમાંથી 2015 એ વર્ષ હતું જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 10 મેચમાંથી 8 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી હતી. જે બાદ ટીમે ટાઈટલ પણ જીત્યું હતું. ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણનું માનવું છે કે જસપ્રિત બુમરાહને ટેકો આપવા માટે મુંબઈ પાસે બોલિંગ વિકલ્પોનો અભાવ છે. તેથી 2022માં આવી પુનરાગમનની શક્યતાઓ ઓછી છે.
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ઈરફાન પઠાણે કહ્યું, 'મુંબઇ ઇન્ડિયન્સ જાણે છે કે આ પ્રકારની પરિસ્થિતિમાંથી કેવી રીતે પાછા આવવું. મુંબઈની ટીમે 2014 અને 2015માં આ કરિશ્મો કર્યો છે. 2015માં પણ તેમની સ્થિતિ આવી જ હતી અને પછી ટીમે વાપસી કરીને ટાઇટલ જીત્યું હતું. પરંતુ તે ટીમ થોડી અલગ હતી. આ વર્ષે મુંબઈ પાસે એવો કોઈ બોલર નથી જે બુમરાહને સપોર્ટ કરી શકે. કેપ્ટન રોહિત શર્મા માટે આ એક મોટો માથાનો દુખાવો છે.
જોકે ભૂતપૂર્વ ક્રિકેટર મુંબઈની બેટિંગથી ખૂબ જ પ્રભાવિત છે. તેણે કહ્યું, 'મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શાનદાર દેખાઈ રહી છે. તેમની પાસે તિલક વર્મા છે જે સારી બેટિંગ કરી રહ્યો છે. સૂર્યકુમાર યાદવે છેલ્લી બે મેચમાં પ્રભાવિત કર્યા હતા. જ્યારે ઈશાન કિશન પણ સારો દેખાવ કરી રહ્યો છે, પરંતુ તમે ટૂર્નામેન્ટમાં આગળ વધવા માટે રોહિત શર્મા અને કિરોન પોલાર્ડ પાસેથી રન બનાવવાની અપેક્ષા રાખી શકો છો. પરંતુ મુંબઈનું બોલિંગ આક્રમણ નબળું દેખાઈ રહ્યું છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર