રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કપ્તાની મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને પરત સોંપી દીધી છે. IPL 2022 શરૂ થવાના થોડા દિવસો પહેલા એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને ટીમનો કેપ્ટન (Ravindra Jadeja CSK captain) બનાવ્યો હતો. જાડેજાના નેતૃત્વમાં CSKનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. તેની કપ્તાનીમાં CSKએ 8 મેચ રમી છે જેમાં 2 મેચમાં જીત્યા છે અને 6 મેચ હાર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જાડેજાએ ધોનીને ફરીથી કેપ્ટનશિપ સોંપવાની ઓફર કરી હતી, જેને ધોનીએ સ્વીકારી લીધી હતી. ધોનીએ કેપ્ટન તરીકે 4 વખત CSKને IPL ટાઇટલ જીતાડ્યું છે.
હવે એમએસ ધોની ફરી એકવાર ટીમની કમાન સંભાળતો જોવા મળશે. ટીમે રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો કરવાનો છે. વર્તમાન સિઝનના પ્લેઓફમાં પહોંચવા માટે ટીમે સિઝનની તમામ મેચો જીતવી પડશે. આ પછી પણ ટેબલનું સમીકરણ જોવાનું રહેશે. પરંતુ જાડેજાના સુકાની પદ છોડ્યા બાદ સૌથી મોટો સવાલ એ છે કે 40 વર્ષીય ધોની બાદ ટીમની કમાન કોને સોંપવામાં આવશે.
એમએસ ધોની આઈપીએલ ઈતિહાસના સૌથી અનુભવી કેપ્ટનોમાંથી એક છે. તેણે 204 મેચમાં કેપ્ટનશિપ કરી છે. જેમાથી 121માં જીત અને 82માં હાર મળી છે. અન્ય કોઈ કેપ્ટન પાસે આઈપીએલમાં 150 મેચમાં કેપ્ટનશિપ કરવાનો અનુભવ પણ નથી. CSK મેનેજમેન્ટની વાત કરીએ તો ધોની તેનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી રહ્યો છે. વર્તમાન સિઝનમાં રવિન્દ્ર જાડેજાને ટીમે સૌથી વધુ 16 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો, જ્યારે ધોનીને માત્ર 12 કરોડ જ મળ્યા હતા. પરંતુ કેપ્ટન તરીકે જાડેજાની નિષ્ફળતા બાદ ટીમ મેનેજમેન્ટે હવે નવેસરથી આયોજન કરવું પડશે.
MS ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈનું પ્રદર્શન 2020 IPLમાં સૌથી ખરાબ રહ્યું હતું. ટીમ પ્રથમ વખત પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. ત્યારપછી ધોનીની કેપ્ટનશિપ પર સવાલો ઉભા થયા હતા. પરંતુ તેણે 2021માં ટીમને ચોથી વખત ચેમ્પિયન બનાવીને તમામ ટીકાકારોને ચૂપ કરી દીધા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર