સટ્ટાખોરીની સિઝન કહેવાતાં આઇપીએલ (IPL 2022) શરુ થયાને અઠવાડિયું વિતી જવા છતાં શહેર પોલીસ અને ખાસ કરીને બ્રાન્ચીસને એકપણ બુકી, સટોડિયો મળ્યો નથી ત્યારે સ્ટેટ મોનેટરિંગ સેલ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો છે. અડાજણ વિસ્તારમાં દોરોડો પાડી બે બુકીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દુબઇ (Dubai)થી આ રેકેટ ઓપરેટ કરતાં જીગર ટોપીવાલા સહિત 14ને વોન્ટેડ જાહેર કરાયા છે.
સ્ટેટ મોનેટરિંગ સેલના ઇન્સપેક્ટર સુનિલ તરડેને મળેલી બાતમીના આધારે પાલમાં એલ.પી. સવાણી રોડ ઉપર આવેલા શ્રીપદ એન્ટેલિયા એપાર્ટમેન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી ભરત જશવંતલાલ ઠક્કર અને પ્રકાશ ચતુરભાઇ ઠક્કરની ધરપકડ કરાઇ હતી. તેઓ પાસેથી સટ્ટો રમાડવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોન, લેપટોપ અને રોકડ મળી 50 હજાર કિંમતની મતા કબજે લેવામાં આવી હતી. સટ્ટાના આ રેકેટમાં કુલ 14 જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જીગર દિપકભાઇ ટોપીવાલા (રહે, પવિત્રા રો હાઉસ, સહજ સુપર સ્ટોર પાસે અડાજણ) છે. આ જીગર ટોપીવાલા આઇપીએલ શરુ થઇ ત્યારથી દુબઇ જતો રહ્યો છે. તે દુબઇમાં બેસીને પોતાનું નેટવર્ક ઓપરેટ કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આઇપીએલ એટલે સટ્ટેબાજોનો કુંભ. આઇપીએલ અંતર્ગત રમાતી ક્રિકેટ મેચોમાં આવતાં અણધાર્યા વળાંકો સટ્ટાખોરી માટે સૌથી મોટુ આકર્ષણ હોય છે. મેચની થ્રીલીંગ મૂમેન્ટ ઉપર લગાવાતાં દાવ હજારો કરોડને આંબી જાય છે. સટ્ટાખોરીની દુનિયામાં ગુજરાતીઓનું નામ મોખરે આવે છે. ગુજરાત જેટલો સટ્ટો દેશના અન્ય કોઇ રાજ્યમાં રમાતો નથી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સુરત એ સટ્ટાખોરીનું હબ બની ચૂક્યું છે. અહીંથી મોટા મોટા બૂકીઓ સટ્ટાનું નેટવર્ક ઓપરેટ કરે છે. આ મોટા સટ્ટાબાજો પોલીસ સાથેની ગોઠવણના કારણે બિન્દાસ્તપણે, ખુલ્લેઆમ તેમનો ગોરખધંધો ચલાવી રહ્યા છે. સમયની સાથે સટ્ટાબાજીનું માળખું પણ બદલાયું છે. પહેલા કોલ અને ચબરખીઓમાં ચાલતો આ ગોરખધંધો હવે ઓનલાઇન થઇ ગયો છે. અહીં પણ હવે સોફ્ટવેર અને એપ્લીકેશન્સની બોલબાલા છે. બુકીઓ પોતાની એપ્લીકેશન બનાવી સટ્ટો રમનારાઓની આઇડી બનાવી આપે છે. જે તે આઇડીની જુદી જુદી ક્રેડીટ હોય છે. સટોડિયાઓ પોતાનો રસ અને ક્ષમતાં અનુસાર ક્રેડીટ લઇ સટ્ટો રમી રહ્યા છે.
આઇપીએલમાં પણ સુરતની વાત કરીએ તો મુન્નો ઓલપાડ પિન્ટું, જીગરવાપી, બાલો, વિકાસ, સેજલ, હિતુ-શાલુ, બંટી સિટિલાઇટ, મનોજશર્મા, ગજુ-વહાબ, બાલાજી, દીપુ-બાલો વગેરેનું ખૂબ મોટું નેટવર્ક ફેલાયેલું છે. આ બધા જ પોલીસની સાથે લાઇન ઉપર રહીને સટ્ટાની લાઇન ચલાવી રહ્યા છે. સટ્ટાના નેટવર્કમાં મુન્ના ઓલપાડને હાલ હિતુશાલુની જોડી મેદાને પડી છે. આ ટીમના રવિ, હાર્દિક દર્શન ગજ્જ, હિતેશ ઠક્કર, સંતોષ ઠક્કર, કિરણ ઠક્કર, પિન્ટુ ઠક્કર, અમીત ગુજરાત, એમઆર, અલ્પેશ પ્રજાપતિ પાટણ, દિપક ઠક્કર વિગેરે મુન્ના ઓલપાડના નેટવર્કને ટક્કર આપી રહ્યા છે. આ ટોળકીએ પોલીસ તંત્રમાં વ્યવહારની ભાષા પણ બદલી નાંખી છે. તેઓ જે અમાઉન્ટ આપવામાં આવી રહી છે એ કોઇની પણ આંખો પહોળી કરી દેનારી છે. સટ્ટો રમતાં પકડાય તો ઓપરેટર્સના નામ નહીં ખોલવા માટે આ વ્યવહાર કરવામાં આવે છે. તપાસ સિમિત રહે, આગળ પાછળના સંપર્કો બહાર ન આવે એ હેતુથી તગડી રકમ ચૂકવાય છે. થોડા સમય પહેલા જ આવા એક કેસમાં ઇન્સપેક્ટરે એવો દરબારી વ્યવહાર કર્યો કે જેણે તેને ફાલતુ પોલીસ મથકમાંથી ક્રીમ પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દીધો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર