મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) પાસેથી આવા ખરાબ પ્રદર્શનની ભાગ્યે જ કોઈએ અપેક્ષા રાખી હશે. IPL 2022 ની આજની મેચમાં તેને લખનૌ સુપર જાયન્ટ્સે 18 રને હરાવ્યું છે. વર્તમાન સિઝનમાં ટીમની આ સતત છઠ્ઠી હાર છે. મેચમાં (LSG vs MI) લખનૌએ પ્રથમ રમતમાં 4 વિકેટે 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન કેએલ રાહુલે 103 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9 વિકેટે 181 રન જ બનાવી શકી હતી. કેપ્ટન રોહિત શર્માથી લઈને કાઇરન પોલાર્ડ મેચમાં ચાલ્યા નહોતા. IPLના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈની ટીમ સતત 6 મેચ હારી છે.
કેપ્ટન રોહિત શર્મા વર્તમાન IPLની તમામ 6 મેચમાં નિષ્ફળ રહ્યો છે. તે અત્યાર સુધી એક પણ અડધી સદીની ઇનિંગ્સ રમી શક્યો નથી. પ્રથમ મેચમાં તેણે દિલ્હી કેપિટલ્સ સામે 41 રન બનાવ્યા હતા. વર્તમાન સિઝનની આ તેની સૌથી મોટી ઇનિંગ છે. આ પછી તેણે આગામી 5 ઇનિંગ્સમાં 10, 3, 26, 28 અને 6 રન બનાવ્યા છે. તે 6 ઇનિંગ્સમાં 19ની એવરેજથી માત્ર 114 રન જ બનાવી શક્યો છે. તેના ખરાબ પ્રદર્શનની અસર ટીમ પર પણ પડી છે.
મુંબઈએ હરાજી પહેલા વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન કાઇરન પોલાર્ડને જાળવી રાખ્યો હતો. પરંતુ તે અત્યાર સુધી પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. તે પહેલી મેચમાં દિલ્હી સામે માત્ર 3 રન બનાવી શક્યો હતો. આગામી 4 ઇનિંગ્સમાં 22, 22*, 0 અને 10 રન બનાવ્યા હતા. તેણે શનિવારે લખનૌ સામે 14 બોલમાં 25 રન બનાવ્યા હતા. વર્તમાન સિઝનની આ તેની સૌથી મોટી ઇનિંગ છે. આ દરમિયાન તેણે 2 સિક્સર ફટકારી હતી. પરંતુ ફરી એકવાર તે વિનિંગ ઇનિંગ્સ રમી શક્યો નહોતો.
બીજી તરફ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. તેને 6માંથી 4 મેચમાં એક પણ વિકેટ મળી નથી. લખનૌ સામે તેણે ચુસ્ત બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 24 રન આપ્યા હતા, પરંતુ તે કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. તેણે રાજસ્થાન સામે 17 રન આપીને 3 વિકેટ લીધી હતી. પંજાબ સામે પણ વિકેટ લીધી હતી. પરંતુ તે RCB, KKR અને દિલ્હી સામે પણ વિકેટ લઈ શક્યો ન હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર