IPL 2022, LSG vs GT: લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી IPLમાં પદાર્પણ કરનાર 22 વર્ષીય આયુષ બદોનીએ પોતાની ડેબ્યૂ મેચમાં જ અડધી સદી ફટકારી હતી. તે તેની IPL ડેબ્યૂમાં 6 કે તેનાથી નીચેના નંબર પર ફિફ્ટી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો હતો.
આઈપીએલ 2022માં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants)ની ડેબ્યૂ મેચથી એક ખેલાડીની આઈપીએલ કારકિર્દી પણ શરૂ થઈ હતી. આ બેટ્સમેન આયુષ બદોની છે (Ayush Badoni IPL Debut). તેની પહેલી જ IPL મેચમાં આયુષે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે જોરદાર ઇનિંગ રમી હતી અને અડધી સદી ફટકારી હતી. બદોનીએ આ ઇનિંગ દ્વારા મુશ્કેલીમાં ફસાયેલી ટીમને ઉગારી હતી. આયુષે માત્ર 41 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 4 ફોર અને 3 સિક્સ પણ ફટકારી હતી. આ સાથે આયુષ IPL ડેબ્યૂમાં નંબર 6 અથવા નીચલા ક્રમમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો હતો.
ત્યાં જ શ્રીવત્સ ગોસ્વામી અને દેવદત્ત પડિકલ પછી આયુષ IPL ડેબ્યૂમાં ફિફ્ટી ફટકારનાર ત્રીજા સૌથી યુવા બેટ્સમેન પણ છે. તેણે 22 વર્ષ 115 દિવસમાં ફિફ્ટી ફટકારી છે. આ સિવાય તે IPL ડેબ્યૂમાં 50 કે તેથી વધુ રન બનાવનાર 9મો ભારતીય છે. અગાઉ 2020 માં પડિકલે તેના ડેબ્યૂ પર આ કારનામું કર્યું હતું.
આયુષ બદોનીએ લખનૌ સુપર જાયન્ટ્સની ઇનિંગ્સના અંત પછી વિરામ દરમિયાન કહ્યું, “હું સ્કોરકાર્ડ પણ જોઈ રહ્યો ન હતો. થોડા સમય પછી મને સમજાયું કે મેં મારી અડધી સદી પૂરી કરી લીધી છે. હું ખૂબ નર્વસ હતો, ગઈકાલે રાત્રે સૂઈ શક્યો નહોતો. પરંતુ જ્યારે મેં મારી પ્રથમ બાઉન્ડ્રી ફટકારી ત્યારે મને લાગ્યું કે હું પણ આ જગ્યાને લાયક છું."
ગુજરાત ટાઇટન્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 4.3 ઓવરમાં 29 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કૃણાલ પંડ્યા જેવા અનુભવી ખેલાડીને બદલે બદોનીને નંબર-6 પર મોકલવામાં આવ્યો હતો. જોકે શરૂઆતમાં બદોની રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે પહેલા 22 બોલમાં 13 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી ખેલાડીએ પોતાનું ગિયર બદલ્યું અને ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરમાં 1 સિક્સ અને 2 ફોર ફટકારીને કુલ 15 રન બનાવ્યા. જો કે તેણે જે રીતે ટી-20 નંબર-1 બોલર રાશિદ ખાન પર સ્લોગ સ્વીપ દ્વારા સિક્સર ફટકારી તેણે રમતના નિષ્ણાતોને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા.
બદોની જ્યારે 40 રને રમી રહ્યો હતો ત્યારે લોકી ફર્ગ્યુસનના બોલ પર તેનો કેચ ચુકી ગયો હતો. તેણે ફર્ગ્યાસૂનથી 147 કિમી પ્રતિ કલાકની ઝડપે બાઉન્સર પર છગ્ગો ફટકારીને તેના 50 રન પૂરા કર્યા. જમણા હાથના બેટ્સમેને 2018માં હેડલાઈન્સ બનાવી જ્યારે તેણે અંડર-19 એશિયા કપમાં શ્રીલંકા સામે માત્ર 28 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેને લખનૌ સુપર જાયન્ટ્સે માત્ર 20 લાખ રૂપિયામાં સાઈન કર્યો હતો.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર