DUની 22 વર્ષીય સ્ટુડન્ટે 'નશા'ની હાલતમાં સર્જ્યો અકસ્માત, એક મહિલાનું મોત

દારૂના નશામાં પૂરપાટ જતી મહિલાએ ડિવાઇડર કૂદાવી બીજી કારને ટક્કર મારી, અન્ય એક કારને પણ અડફેટે લીધી.

દારૂના નશામાં પૂરપાટ જતી મહિલાએ ડિવાઇડર કૂદાવી બીજી કારને ટક્કર મારી, અન્ય એક કારને પણ અડફેટે લીધી.

  • Share this:
    નવી દિલ્હીઃ પશ્ચિમ દિલ્હીના પંજાબી બાગ વિસ્તારમાં એક મહિલાએ કથિત નશાની હાલતમાં બેફામ કાર હંકારીને સર્જેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે મહિલાની દીકરીને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ખૂબ જ ઝડપે જઈ રહેલી કારે માતા અને દીકરીની કારને અડફેટે લીધી હતી.

    અકસ્માત નવમી ઓક્ટોબરના રોજ મધ્યરાત્રીએ બન્યો હતો. અકસ્માત બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પંજાબ બાગ ફ્લાયઓવર ખાતે પહોંચી હતી. પોલીસને અહીં બે નુકસાનગ્રસ્ત વાહનો મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક મહિલા તેના પતિ સાથે છતરપુર મંદિર ખાતેથી પોતાના ઘરે પરત આવી રહી હતી. આ દરમિયાન રોડની સામેની બાજુએથી પૂરપાટ ઝડપે એક કાર આવી હતી. કાર ડિવાઇડર કૂદીને તેમના વાહન સાથે અથડાઈ હતી.

    પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માત બાદ 22 વર્ષીય શિવાની મલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. શિવાની તેના અન્ય ત્રણ મિત્રો સાથે કાર લઈને જઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. કનોટ પેલેસ ખાતે નાઇટ આઉટ કર્યા બાદ ચારેય મિત્રો ગુરુગ્રામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. શિવાની દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની છે, તેમજ તે એક સલુનમાં પણ કામ કરે છે. શિવાનીના પિતા દિલ્હી પોલીસમાં નોકરી કરતા હતા. આઠ વર્ષ પહેલા કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું.

    ડાબેથી (પૂનમ, વિમલ અને ચૈતન્યા)


    પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માત વખતે શિવાનીની કારમાં બે યુવકો પણ સવાર હતા. અકસ્માત બાદ બંને યુવકો ત્યાથી રફુચક્કર થઈ ગયા હતા, જ્યારે શિવાની અને તેની એક મિત્રને લોકોએ પકડી લીધા હતા. મેડિકલ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે શિવાની નશાની હાલતમાં હતી. જોકે, તેણીએ દાવો કર્યો છે કે તેણી કાર ચલાવી રહી ન હતી.

    પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માતમાં પૂનમ સર્દનાનું મોત થયું છે. અકસ્માત વખતે પૂનમના પતિ વિમલ સર્દના અને તેના બે બાળકો ચૈતન્યા (13 વર્ષ) અને દૈવિક (છ વર્ષ), વિમલના મોટા ભાઈ સુધીર અને તેમની પત્ની અને તેમના બે સંતાના કારમાં સવાર હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે વિમલી દીકરી ચૈતન્યાને ચહેરા પર અનેક ઈજા પહોંચી છે, અને તેણીએ તેની એક આંખ ગુમાવી દીધી છે.

    આ પણ વાંચોઃ પત્નીની યાદમાં 'મિનિ તાજ મહેલ' બનાવનાર વ્યક્તિનું રોડ અકસ્માતમાં મોત

    પોલીસે જણાવ્યું હતું કે, અમને એવી આશંકા છે કે મહિલાની કારની ઝડપ ખૂબ વધારે હતી. તેણીએ વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને ડિવાઇડર કુદાવીને એક કાર સાથે પોતાની કાર અથડાવી હતી. જોકે, પોલીસે એવી પુષ્ટિ કરી ન હતી કે મહિલા દારૂના નશામાં હતી કે નહીં.

    મહિલાની કારને ટક્કર માર્યા બાદ કારે બીજી એક કારને પણ ટક્કર મારી હતી. જેમાં કારના ડ્રાઇવરને પણ સામાન્ય ઈજા પહોંચી હતી.

    આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરઃ એસટી બસે કારને મારી ટક્કર, વઢવાણના એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત

    અકસ્માત બાદ મહિલા અને તેની દીકરીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલાએ સારવાર પહેલા જ રસ્તામાં દમ તોડી દીધો હતો, જ્યારે તેની દીકરીની આંખમાં વધારે ઈજા પહોંચી છે. પોલીસે આ કેસમાં કથિત નશાની હાલતમાં ગાડી ચલાવી રહેલી મહિલા સામે ફરિયાદ દાખલ કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: