ગુંડગાવઃ જજના પત્ની અને પુત્રને ભરબજારે સુરક્ષા ગાર્ડે મારી દીધી ગોળી

જજના પુત્રને કારમાં નાખી રહેલો સુરક્ષા ગાર્ડ

સુરક્ષા ગાર્ડે ગોળી માર્યા બાદ ન્યાયધીશને ફોન કરીને કહ્યું કે, "મેં તમારી પત્ની અને પુત્રને ગોળી મારી દીધી છે."

 • Share this:
  નવી દિલ્હીઃ શનિવારે ગુંડગાવની એક ભરચક બજારમાં ન્યાયાધીશના 18 વર્ષના દીકરા અને તેમની પત્નીને તેના જ સુરક્ષા ગાર્ડે ગોળી મારી દીધી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ન્યાયાધીશના પત્ની ખતરામાંથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. ગોળી માર્યા બાદ સુરક્ષા ગાર્ડે ન્યાયધીશને ફોન કરીને કહ્યુ હતુ કે, તેણે તેના પુત્ર અને પત્નીને ગોળી મારી દીધી છે.

  આ બનાવ શનિવારે બપોર પછી 3:30 વાગ્યાની આસપાસ ગુંડગાવના સેક્ટર 49માં આર્કેડિયા માર્કેટ પાસે બન્યો હતો. એડિશનલ સેશન્સ જજ ક્રિશાન કાંત શર્માના પત્ની અને તેમનો દીકરો અહીં શોપિંગ માટે આવ્યા હતા.

  જજના ગનમેને પહેલા તેમના પત્ની પર ફાયરિંગ કર્યું હતું, બાદમાં તેના પુત્ર પર ગોળી ચલાવી હતી. બાદમાં ઘાયલ થઈને નીચે પડી ગયેલા તેના પુત્રને ઢસડીને કારમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે આવું કરવામાં અસમર્થ રહેતા બંનેને રસ્તા પર જ છોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. આ આખો બનાવ અહીં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો હતો.

  ઘટના સ્થળની તસવીર


  સુરક્ષા ગાર્ડે ફરાર થઈ ગયા બાદ ન્યાયાધીશને ફોન કરીને કહ્યુ હતુ કે, "મેં તમારી પત્ની અને દીકરાને ગોળી મારી દીધી છે." બાદમાં તેણે પોતાના મોબાઇલ ફોનમાંથી ફાયરિંગ કર્યાના અન્ય બે ફોન કોલ્સ કર્યા હતા. જેમાંથી એક ફોન તેણે તેની માતાને પણ કર્યો હતો.

  ગોળીબારમાં ઘાયલ થયેલા બંને લોકોની ઓળખ રીતુ (38 વર્ષ) અને ધ્રુવ તરીકે કરવામાં આવી છે. ગોળીબાર કરનાર ગનમેન મહિપાલસિંઘ છેલ્લા બે વર્ષથી જજની સુરક્ષામાં તહેનાત હતો.

  ભરચક બજારમાં ગોળીબાર


  જજના પત્ની અને દીકરા પર ફાયરિંગ કર્યા બાદ મહિલપાલસિંઘ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં પણ તેણે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં અહીંથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે તેની ફરિદાબાદમાંથી ધરપકડ કરી લીધી હતી.

  ગુડગાંવ (ઇસ્ટ)ના ડીસીપીના જણાવ્યા પ્રમાણે, "એડિશનલ સેશન્સ જજના પત્ની અને દીકરા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે."

  જુઓ વીડિયો:

  પોલીસના જણાવ્યા પ્રમાણે મહિપાલસિંઘે શા માટે ફાયરિંગ કર્યું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક રિપોર્ટમાં એવી વિગતો સામે આવી છે કે મહિપાલસિંઘ ડિપ્રેશનમાં હતો. જજના પરિવાર તરફથી તેની સાથે સતત અણછાજતું વર્તન કરવામાં આવી રહ્યું, જેના કારણે તે પરેશાન હતો. મહિલાપલસિંઘ હરિયાણાના મહેન્દ્રગઢનો વતની છે. મહિપાલસિંઘની પત્ની શિક્ષિકા છે અને તેને ત્રણ અને સાત વર્ષના બે સંતાન છે.
  Published by:Vinod Zankhaliya
  First published: