લખનઉ શૂટઆઉટ: આરોપી પોલીસ કોન્સ્ટેબલે કહ્યુ- 'ભૂલથી ચાલી હતી ગોળી'

આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરી

પ્રશાંતે કહ્યું કે, વિવેકની કારે તેના બાઇકને ત્રણ વખત ટક્કર મારી હતી. જે બાદમાં ચેતવણી આપવા માટે તેણે પિસ્ટલ કાઢી હતી અને તેના તરફ તાકી હતી.

 • Share this:
  લખનઉઃ એપલના એરિયા મેનેજર વિવેક તિવારીની હત્યાના કેસમાં ગોસાઇગંજ જેલમાં બંધ રહેલા આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરી અને સંદીપ કુમારની ગુરુવારે સીટે (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન બંનેએ કહ્યું કે ભૂલથી ગોળી ચાલી હતી.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસઆઇટીને આપેલા પોતાના નિવેદનમાં પ્રશાંતે જણાવ્યું કે, ઘટનાની રાત્રે તે અને તેનો સાથી સંદીપ ચિતા પહેરો ભરીને આવી રહ્યા હતા. આ સમયે સરયૂ એપાર્ટમેન્ટવાળા રસ્તા પર એક કાર ઉભેલી જોઈ હતી. અમે કાર નજીક પહોંચ્યા અને બાઇક ઉભું રાખ્યું હતું. બાઇક પરથી નીચે ઉતરીને હું ડ્રાઇવિંગ સીટ તરફ આગળ વધ્યો હતો અને સંદિપ કારમાં બેઠેલી સના તરફ આગળ વધ્યો હતો.

  બંનેએ સીટ સમક્ષ કહ્યું કે, કારમાં બેઠેલા યુવક યુવતી પર શક જતાં અમે તેમને બહાર આવવાનું કહ્યું હતું. કારના ડ્રાઇવરે બહાર આવવાનો ઇન્કાર કર્યો અને બાઇકને ટક્કર મારી દીધી હતી. જે બાદમાં બંને કોન્સ્ટેબલ સચેત થઈ ગયા હતા અને કારથી દૂર ઉભા રહી ગયા હતા.

  આ પણ વાંચોઃ  લખનઉ શૂટઆઉટઃ આરોપી કોન્સ્ટેબલના ગામ લોકોએ કહ્યું, 'પ્રશાંત ગોળી ન મારી શકે'

  પ્રશાંતે કહ્યું કે, વિવેકની કારે તેના બાઇકને ત્રણ વખત ટક્કર મારી હતી. જે બાદમાં ચેતવણી આપવા માટે તેણે પિસ્ટલ કાઢી હતી અને તેના તરફ તાકી હતી. આ દરમિયાન ભૂલથી ફાયરિંગ થઈ ગયું હતું અને પિસ્ટલમાંથી છૂટેલી ગોળી કારનો કાચ તોડતી વિવેકને વાગી હતી.

  પ્રશાંતે કહ્યું કે, તેણે વિવેકને ચેતવણી આપવા માટે જ પિસ્ટલ કાઢી હતી, પરંતુ ભૂલથી ફાયર થઈ ગયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસઆઈટીએ આ ઉપરાંત બંનેને અન્ય સવાલો પણ કર્યા હતા. એસઆઈટી સમક્ષ બંનેએ જણાવ્યું હતું કે વિવેક અને સનાને તેઓ પહેલેથી ઓળખતા ન હતા. આ ઉપરાંત એસઆઈટીએ બંનેને પૂછ્યું કે શું ઘટના બાદ બંનેએ પોલીસને જાણકારી આપી હતી? કયા અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા? ઘટના બાદ બંનેએ કોની કોની સાથે વાત કરી?

  આ પણ વાંચોઃ  વિવેક તિવારી મર્ડરઃ આરોપી સિપાહીના સમર્થનમાં યુપી પોલીસ, 5 ઓક્ટોબરે કાળો દિવસ!

  આ ઘટનામાં સીટ બંનેના કોલ ડિટેઇલ્સની પણ તપાસ કરી રહી છે. આ પહેલા એસઆઇટીએ એકમાત્ર સાક્ષી સનાનું કલમ 164 પ્રમાણે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધ્યું હતું. નિવેદન આપ્યા બાદ સનાએ કહ્યું કે, તે પોતાા પહેલા નિવેદન પર અડગ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: