નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે આધાર કાર્ડની અનિવાર્યતા અથવા બંધારણિય કાયદેસરતા પર પોતાનો ચુકાદો આપ્યો હતો. ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે અમુક શરતોની સાથે આધાર કાર્ડની કાયદેસરતા યથાવત્ રાખી છે. આધારની બંધારણીય કાયદેસરતા અંગે ચુકાદો આપતા કોર્ટે અમુક જગ્યા માટે આધાર કાર્ડ જરૂર ન હોવાનું કહ્યું તો અમુક સ્કિમ માટે આધારને ફરજીયાત કર્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના વડપણ હેઠળ પાંચ જજોની બંધારણીય ખંડપીઠે 38 દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ 10મી મેના રોજ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ કેસમાં હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ એસ પુત્તાસ્વીમીની અરજી સહિત 31 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
આ જગ્યાએ આધારની વિગતો આપવી જરૂર નથી
1. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હવેથી સ્કૂલોમાં આધાર કાર્ડ જરૂર નથી. 2. બેંક ખાતાઓ સાથે આધાર કાર્ડને લિંક કરવું જરૂરી નથી. બેંકો સાથે આધારને જોડવાનો ચુકાદો સુપ્રીમે રદ કર્યો. હવે બેંકો તમારી પાસેથી આધારની વિગતો નહીં માંગી શકે. 3. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે મોબાઇલ માટે સીમકાર્ડની ખરીદી વખતે આધાર કાર્ડની વિગતો આપવી જરૂર નથી. 4. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોબાઇલ કે પછી કોઈ ખાનગી કંપનીઓ તમારી પાસેથી આધારની વિગતો ન માંગી શકે. 5. UGC, NEET, અને CBSEની પરીક્ષાઓ માટે આધાર કાર્ડ જરૂર નથી.
આ જગ્યાએ આધારકાર્ડ ફરજિયાત
1. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પાન(પરમેનેન્ટ એકાઉન્ટ નંબર)ને આધાર સાથે જોડવું જરૂરી છે. આ માટેનો નિર્ણય યથાવત્ રહેશે. 2. સરકારી કલ્યાણકારી યોજનાઓમાં આધાર જરૂર રહેશે.
હકીકતમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા કેન્દ્ર સરકારે આધાર યોજનાની બચાવ કરતાં કહ્યું હતું કે જેમની પાસે આધાર નથી તેમને કોઈ પણ લાભથી વંચિત નહીં રાખવામાં આવે. આધારની સુરક્ષાના ઉલ્લંઘન પર કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આધારનો ડેટા ખૂબ સુરક્ષિત છે. કેન્દ્ર સરકારે એવી પણ દલીલ કરી કે આધારા સમાજિક રીતે નબળા લોકો તેમજ હાંસિયામાં ધકેલાય ગયેલા વર્ગોના અધિકારોની રક્ષા અને વેચટિયાઓને દૂર રાખવા માટે જરૂરી છે. આધારનો અમલ કરીને સરકારે રૂ. 55 હજાર કરોડ બચાવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર