રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનના પગારમાં 10મા વર્ષે પણ કોઈ વધારો નહિ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પગારમાં 10મા વર્ષે પણ કોઈ વધારો નહિ.

  • Share this:
    દેશની સૌથી વધુ અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પગારમાં 10મા વર્ષે પણ કોઈ વધારો થયો નથી. આ દરમિયાન કંપનીના અન્ય અધિકારીઓની આવકમાં સતત વધારો થયો છે. મુકેશ અંબાણીને રૂ.15 કરોડનો પગાર મળે છે, જોકે પોતાના પગારમાં કોઈ વધારો ન કરવાનો નિર્ણય મુકેશ અંબાણીએ પોતે જ લીધો છે, એવું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે.

    આ દરમિયાન ભલે મુકેશ અંબાણીના પગારમાં કોઈ વધારો નથી થયો, પરંતુ કંપનીમાં કામ કરતા અન્ય અધિકારીઓના વેતનમાં વધારો થયો છે. 31 માર્ચ, 2018ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન તેમના સંબંધી નિખિલ અને હિતલ સહિત કંપનીના સંપૂર્ણ સમયના નિર્દેશકોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.

    રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2017-18માં મુકેશ અંબાણીનો પગાર અને ભથ્થું રૂ.4.49 કરોડ રૂપિયા છે. એવી રીતે 2016-17માં તેમને રૂ.4.16 કરોડ પગાર અને ભથ્થાં તરીકે મળ્યા હતા. આ દરમિયાન તેમના કમિશનમાં કોઈ વધારો થયો ન હતો.

    તેમને અન્ય સુવિધાઓની અવેજમાં મળનારી રકમ રૂ.60 લાખથી ઘટી રૂ.27 લાખ પર આવી ગઈ છે. તમને અહીં જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતે જ 2009માં પોતાના પગારમાં કોઈ વધારો ન લેવાનો નિર્ણય લીધો હતો. આ પછી તેમનો પગાર આજે પણ એ જ સ્તરે રહ્યો છે.

    મુકેશ અંબાણી રૂ.2.76 લાખ કરોડની સંપત્તિ સાથે દેશની સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સમાં જણાવ્યા મુજબ, તેઓ દેશના નંબર વન અને વિશ્વના અરબપતિઓની યાદીમાં 19મા સ્થાને છે.
    Published by:Sanjay Joshi
    First published: