ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. હાર્ટ એટેકેના કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું છે. આજે 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા સવારે આઠથી 10.30 વાગ્યા સુધી જંતર મંતર ખાતે આવેલા તેમના ઘરે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. ત્યાર બાદ 11 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી ભાજપા કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.
સુષમા સ્વરાજે ત્રણ કલાક પહેલા જ આર્ટિકલ 370 હટ્યા પર ટ્વિટ કર્યું હતું. 67 વર્ષીય સુષમા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા. સુષમા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા. મોદી સરકારના આક્રમક મંત્રીઓમાંથી એક ગણાતા સુષમા સ્વરાજે ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાને આડે હાથે લીધું હતું.
કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા સુષમા સ્વરાજ - પીએમ મોદી
સુષમા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે ભારતીય રાજનીતિમાં એક શાનદાર અધ્યાય સમાપ્ત થઈ ગયો. તેમણે પોતાનું જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવનને સમર્પિત કર્યું. સુષમા સ્વરાજ જી કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા.
A glorious chapter in Indian politics comes to an end. India grieves the demise of a remarkable leader who devoted her life to public service and bettering lives of the poor. Sushma Swaraj Ji was one of her kind, who was a source of inspiration for crores of people.