જેએનયૂ સ્ટુડન્ટ યુનિયનની પૂર્વ નેતા શેહલા રશીદે માફિયા ડોન રવિ પુજારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. શેહલા રશીદે આરોપ લગાવ્યો છે કે ડોન રવિ પુજારીની ગેંગે તેને જીવથી મારી નાખવાની ધમકી આપી છે. જેએનયૂના પૂર્વ સ્ટુડન્ટ નેતા તેમજ દેશદ્રોહના કેસના આરોપી ઉમર ખાલિદ પર કથિત ફાયરિંગ બાદ શેહલા રશીદને આ ધમકી મળી છે.
રવિ પુજારી ગેંગ વિરુદ્ધ કલમ 506 હેઠળ જમ્મુ-કાશ્મીર પોલીસે કેસ દાખલ કર્યો છે. શેહલાએ કહ્યું કે, પુજારીએ તેને ઉમર ખાલિદ અને જિગ્નેશ મેવાણીને પણ ચૂપ રહેવાની ધમકી આપી છે.
શેહલા રશીદે ઉમર ખાલિદ પર કથિત હુલમાની ટીકા કરી હતી. ત્યાર બાદમાં તેને ધમકી મળવા લાગી હતી. શેહલાએ ટ્વિટર પર એક સ્કિ્નશોટ શેર કર્યો છે. જેમાં રવિ પુજારીએ લખ્યું છે કે, "તારું મોઢું બંધ રાખ, નહીં તો અમે લોકો હંમેશ માટે તારું મોઢું બંધ કરી દઈશું. ઉમર ખાલિદ અને જિગ્નેશ મેવાણીને પણ આ વાત સમજાવી દેજે."
સોમવારે ઉમર ખાલિદે દાવો કર્યો હતો કે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. આ અંગે દિલ્હી પોલીસનું કહેવું છે કે તે ઉમર ખાલિદના આરોપોની સત્યતા તપાસી રહી છે. ઉમર 'ખૌફ'થી આઝાદી નામના કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યો હતો.
ઉમરે જણાવ્યું હતું કે હુમલા વખતે તે પોતાના મિત્રો સાથે ક્લબ બહાર ચા પી રહ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ પાછળથી આવીને તેની ગરદન પકડી લીધી હતી. તેને જમીન પર પટકી દેવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો. મિત્રોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગી ગયો હતો. આ દરમિયાન ફાયરિંગ થયાનો અવાજ પણ આવ્યો હતો.
જિગ્નેશ મેવાણીને મળી ચુકી છે ધમકી
ઉલ્લેખનીય છે કે ગુજરાતના વડગામના અપક્ષ ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીને રવિ પુજારી ગેંગ તરફથી ધમકી મળી ચુકી છે. જિગ્નેશ મેવાણીને સતત બે દિવસ સુધી તેના ફોન પર રવિ પુજારીના નામે ધમકી મળી હતી. જેમાં તેને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.