સીબીઆઈ નિર્દેશક આલોક વર્માના ભવિષ્યનો નિર્ણય કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં સીબીઆઈ ચીફ આલોક વર્માને પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને જસ્ટિસ એકે સીકરી પણ સામેલ હતા.
આલોક વર્મા ઉપર ભ્રષ્ટાચારના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી છે. વર્માની બદલી કરી દેવામાં આવી છે. તેમને ફાયર સેફ્ટી વિભાગનો ડીજી બનાવી દીધો છે. તે 24 કલાક પહેલા જ સીબીઆઈમાં કામ પર પરત ફર્યા હતા. તેમની ગેરહાજરીમાં એમ.નાગેશ્વર રાવ સીબીઆઈની જવાબદારી સંભાળશે. આ સાથે આલોક વર્મા સામે સીવીસીની તપાસ પણ ચાલુ રહેશે. જસ્ટિસ સીકરીએ સીવીસી રિપોર્ટ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
આલોક વર્માને હટાવવાનો નિર્ણય 2-1થી લેવામાં આવ્યો હતો. પીએમ મોદી અને જસ્ટિસ સીકરીએ વર્માને હટાવવા પર મોહર લગાવી હતી. જ્યારે ખડગેએ હટાવવાનો વિરોધ કર્યો હતો. તે નિર્ણય લેટ આવે તેવી પણ ઇચ્છા રાખતા હતા. જોકે પીએમ મોદી અને જસ્ટિસ સીકરીએ તાત્કાલિક પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મંગળવારે આલોક વર્માને તેમના પદ પર ફરી બેસાડ્યા હતા. સીબીઆઈ પ્રમુખ વર્મા અને સ્પેશ્યલ નિર્દેશક રાકેશ અસ્થાનાએ એકબીજા ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. આ પછી સરકારે લગભગ બે મહિના પહેલા રજા ઉપર ઉતારી દીધા હતા.
આ પહેલા આલોક વર્માએ બુધવારે ફરીથી પદભાર સંભાળતા એમ.નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલ બદલીઓ રદ કરી દીધી હતી. નાગેશ્વરેની વર્માની ગેરહાજરીમાં સીબીઆઈના પ્રમુખ તરીકે નિમણુક કરી હતી. વર્માએ જે બદલીઓનો આદેશ રદ કર્યો છે તે બધા વર્માના વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર