દિવાળી પહેલા જ વૈજ્ઞાનિકોએ બનાવી દીધા 'ગ્રીન ફટાકડા' પરંતુ..

પ્રતિકાત્મક તસવીર

હાલ દેશમાં ફટાકડા બનાવવાનો ઉદ્યોગ છ હજાર કરોડનો છે, આ ઉદ્યોગને કારણે પાંચ લાખ લોકોને રોજગારી મળે છે.

  • Share this:
    નવી દિલ્હીઃ 'ગ્રીન ફટાકડા' - કે જેનાથી ઓછી માત્રામાં પ્રદૂષણ ફેલાય છે તેમજ વધારે ધ્વની પ્રદૂષણ પણ નથી ફેલાતું. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આ ફટાકડાનો ઉપયોગ કરવાનો આદેશ કર્યો છે. વૈજ્ઞાનિકોએ આ ફટાકડા તૈયાર કરી દીધા છે. આ ફટાકડા હાલ બજારમાં મળતા ફટાકડાથી સસ્તા પણ હશે. ગ્રીન ફટાકડાને કારણે ઉત્પાદન ખર્ચમાં 30 ટકાનો ઘટાડો થશે. પરંતુ ખરાબ સમાચાર એ છે કે આવતા અઠવાડિયા સુધી અથવા દિવાળી સુધી તે મોટી માત્રામાં બજારમાં મળી શકશે નહીં.

    આ વર્ષે સુપ્રીમ કોર્ટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી મૂક્યો. પરંતુ એવો આદેશ કર્યો છે કે વધારે પ્રમાણમાં અવાજ કરતા અને પ્રદૂષણ ફેલાવતા ફટાકડા ફોડી શકાશે નહીં. એટલું જ નહીં રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયામાં ફરિયાદો કરતા કહ્યું હતું કે કોર્ટના આદેશ પ્રમાણેના ગ્રીન ફટાકડા માર્કેટમાં મળી નથી રહ્યા. આવા ફટાકડા શોધવા મોટી મુશ્કેલી છે.

    આ પણ વાંચોઃ ફટાકડા ફોડવાનો સમય વધારો: તામિલનાડુ સરકાર સુપ્રિમ કોર્ટ પહોંચી

    કોર્ટના આદેશ પ્રમાણેના ફટાકડા તૈયાર કરીને તેને માર્કેટમાં મૂકવા ઉત્પાદકો માટે મુશ્કેલી ભર્યું કામ છે. સોમવારે આ અંગે પર્યાવરણ મંત્રી હર્ષ વર્ધને કહ્યું કે કાઉન્સિલ ઓફ સાયન્ટિસ્ટ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ રિસર્ચના વૈજ્ઞાનિકોએ નવા ફટાકડા તૈયાર કર્યા છે, જેનો ઉત્પાદન ખર્ચ 30 ટકા ઓછો આવશે. આ ફટાકડાથી પરંપરાગત ફટાકડા કરતા પ્રદૂષણ પણ ઓછું ફેલાશે.

    આ અંગે વધારે માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે, "આ ફટાકડાઓથી 25થી 30 ટકા ઓછા રજકણો હવામાં ફેલાશે, તેમજ સલ્ફર-ડાયોક્સાઇડમાં 50 ટકાનો ઘટાડો થશે." વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ ફટાકડાઓ સુપ્રીમ કોર્ટે આપેલી ગાઇડ લાઇન્સનું પાલન કરશે.

    મંત્રીએ વધુમાં કહ્યું કે આ ફટાકડાઓ હાલની ફેક્ટરીઓમાં જ બનાવી શકાશે. નોંધનીય છે કે દેશમાં ફટાકડા બનાવવાના ઉદ્યોગનું ટર્નઓવર 6 હજાર કરોડ છે. તેમજ આ ઉદ્યોગથી પાંચ લાખ લોકોને રોજગારી મળે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: