નવી દિલ્હીઃ કોંગ્રેસના એક કદાવર નેતાને બહુ ઝડપથથી ઇડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ઓફિસના ધક્કા ખાવાનો વારો આવી શકે છે. ઇડીએ દિલ્હીની એક કોર્ટને જણાવ્યું છે કે તેમની પાસે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેમજ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના ઘરે રૂ. 25 લાખ પહોંચાડવામાં આવ્યા હોવાના પુરાવા છે. આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આ રકમ લાંચના સ્વરૂપે પહોંચાડવામાં આવી હતી. ઈડીએ શુક્રવારે દિલ્હીની કોર્ટમાં રંજીત મલિક નામના એક વ્યક્તિની 15 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. એજન્સીને તેની પૂછપરછ દરમિયાન આ જાણકારી મળી હતી. રંજીતની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસનો સંબંધ ગેરકાયદે રીતે રૂ. 5000 કરોડની લોન મેળવનારી ગુજરાતની સ્ટરલિંગ બાયોટેક કંપની વિરુદ્ધ કરવામાં આવી રહેલી સીબીઆઈ તપાસ સાથે જોડાયેલો છે.
કોર્ટમાં દલીલ દરમિયાન ઇડીએ કહ્યું હતું કે તેણે રાકેશ ચંદ્ર નામના એક વ્યક્તિનું નિવેદન નોંધ્યું છે. રાકેશે સ્વીકાર્યું હતું કે તેણે પૈસા પહોંચાડ્યા હતા. તેણે રંજીત મલિકના કહેવા પર આ પૈસા પહોંચાડ્યા હતા. રાકેશના કહેવા પ્રમાણે આ રકમ 23, મધર ટેરેસા ક્રોસેન્ટ રોડ પર પહોંચાડવામાં આવી હતી. નોંધનીય છે કે આ કોંગ્રેસના નેતા અહેમદ પટેલનું અધિકારિક નિવાસસ્થાન છે. ઇડીએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે આ આક્ષેપ સાબિત કરવા માટે ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સહિતના પુરાવા છે.
ઇડી તરફથી અહેમદ પટેલનું કોઈ મની લોન્ડરિંગ કેસમાં લેવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ બનાવ નથી. આ પહેલા પણ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે તેમનો પુત્ર અને જમાઇ પણ આ કેસમાં સંડોવાયેલા છે. અહેમદ પટેલની ઓફિસ તરફથી એનડીટીવીને કહેવામાં આવ્યું હતું કે, "અગસ્તા વીઆઈપી ચોપર કેસની જેમ તેમના પર લગાવવામાં આવેલા આ આરોપ પણ પાયોવિહોણા છે." જોકે, અહેમદ પટેલની ધરપકડ અંગે ઇડીએ કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે 2011ના વર્ષમાં સ્ટરલિંગ બાયોટેક પર દરોડા દરમિયાન એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીમાં કથિત રીતે નેતાઓ, આવકવેરા અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પૈસાની ચુકવણી કરવામાં આવી હોવાનું વિવરણ હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર