જયપુરઃ ફક્ત એક ટ્વિટથી દુનિયાના કોઈ પણ ખૂણે ભારતીય નાગરિકોની મદદ માટે જાણીતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક 17 વર્ષની બાળકીનું યુએસ જવાનું સપનું સાકાર કર્યું છે. સુષ્મા સ્વરાજની દરમિયાનગીરી બાદ અમેરિકાએ 17 વર્ષની કિશોરીના સ્ટુડન્ટ વિઝા કન્ફર્મ કર્યા છે. કિશોરી ઉચ્ચ અભ્યાસ માટે યુએસ જવા માંગતી હતી.
જલાલપુર ગામની ભાનુપ્રિયા હરિતવાલ સહિત ત્રણ છોકરીઓને રાજસ્થાન સરકાર તરફથી વિદેશમાં અભ્યાસ માટે એક કરોડની સ્કોલરશિપ આપવામાં આવી હતી. 2015માં ધોરણ-10ની પરીક્ષામાં ટોપ રેન્ક મેળવવા બદલ ભાનુપ્રિયા અને અન્ય બે કિશોરીને સ્કોલપશિપ આપવામાં આવી હતી. સુષ્માની દરમિયાનગીરી બાદ ભાનુપ્રિયાને વિઝા મળતા હવે તે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી શકશે.
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 'ભાનુપ્રિયાએ સેકન્ડ રેન્ક મેળવ્યો હતો. આથી તેને ચાર વર્ષના કોર્ષ માટે સ્કોલરશિપ આપવામાં આવી હતી.' સરકાર તરફથી સ્કોલરશિપની જાહેરાત બાદ ભાનુપ્રિયાના પિતાએ તેની પુત્રી માટે વિઝાની અરજી કરી હતી. જોકે, કોઈ કારણસર તેની વિઝા અરજી બે વખત રિજેક્ટ કરી દેવામાં આવી હતી. ભાનુપ્રિયાના પિતા સિકર જિલ્લામાં એક ખાનગી સ્કૂલમાં શિક્ષક છે.
સિકરના સાંસદ સ્વામી સુમેધાનંદે જણાવ્યું હતું કે, 'કિશોરી મધ્યમવર્ગમાંથી આવે છે, તેમજ ભણવામાં ખૂબ જ હોંશિયાર છે. તેણે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીની ઇન્ટરનલ પરીક્ષા પણ પાસ કરી હતી. ત્યાં અભ્યાસ માટે વિઝા અરજી કરવામાં આવી હતી, પરંતુ યુએસ એમ્બેસીએ બે વખત તેની વિઝા અરજી કાઢી નાખી હતી.'
ભાનુપ્રિયાએ ધોરણ-12માં સારા માર્ક્સ મેળવ્યા બાદ SAT અને IELTSમાં સારા માર્ક્સ મેળવીને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર