મહારાષ્ટ્રમાં ત્રણ દલિત કિશોરને નગ્ન કરી ગામમાં ફેરવ્યા, રાહુલનો BJP-RSS ઉપર વાર

મહારાષ્ટ્રમાં ત્રણ દલિત કિશોરને નગ્ન કરી ગામમાં ફેરવ્યા, રાહુલનો BJP-RSS ઉપર વાર

 • Share this:
  જલગાંવ (મહારાષ્ટ્ર) : ગઈકાલે ગુજરાત આજે મહારાષ્ટ્ર! દલિત પરના અત્યાચારો જાણે દેશમાં નિત્યક્રમ બની ગયો છે. મહારાષ્ટ્રના જલગાંવના વાકાળી ગામે તા.10 જૂનના દિવસે એક ઘટના ઘટી. ગામના કુવામાં નાહ્યા હોઈ, ત્રણ દલિત કિશોરોને જાહેરમાં નગ્ન કરી, માર મારી તેમની નગ્ન પરેડ કરાવવામાં આવી હતી.

  આ છોકરાઓ ગામના કુવામાં ન્હાવા પડ્યાની જાણ થતા ગામના કેટલાક ઉચ્ચવર્ણીય લોકોએ તેમને પડકાર્યા હતા અને કૂવામાંથી બહાર કાઢી તેમને ગાળો ભાંડી હતી. એટલું જ નહિ, તેમને જાહેરમાં નગ્ન કરી ચામડાના પટ્ટેથી માર મારી ગામમાં ફેરવવામાં આવ્યા હતા.  આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આ કિશોરો સેંડલ્સ અને પાંદડા વીંટેલા દેખાઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમથી બીજેપી-શિવસેનાના સંચાલિત મહારાષ્ટ્ર સરકાર સામે ક્ષોભજનક સ્થિતિ ઉભી થઇ છે. આ મામલાને કેન્દ્રના સમાજકલ્યાણ મંત્રી રામદાસ આઠવલેએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આગામી દિવસોમાં ગામ તથા પીડિતના પરિવાજનોને મળવાનું આયોજન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અત્યારે રાજ્યમાં રોકાણને આકર્ષવા માટે દુબઇ, કેનેડા અને અમેરિકાની યાત્રાએ છે.

  વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

  મહારાષ્ટ્રના ન્યાય અને સામાજિક અધિકારીતા મંત્રી દિલીપ કામ્બલે એ આ ઘટના સંદર્ભે બે વ્યક્તિઓની ધરપકડ કરી હોવાની જાણકારી આપી છે.

  ગુજરાતમાં અમદાવાદમાં વિઠ્ઠલપુરાના દલિત યુવકને બેરહમીથી માર મારવાના કિસ્સામાં જેમ દલિત યુવક અને તેનો પરિવાર જેમ પોલીસ ફરિયાદ કરવાથી ડરતો હતો લગભગ તેવું જ અહીંની ઘટનામાં બન્યું હતું. આ પીડિત કિશોરોના પરિવારે પણ ડરતા-ડરતા આખરે ફરિયાદ કરી હતી. ગુજરાતના કિસ્સામાં પણ આખરે ગુરુવારે મોડી રાત્રે બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે આરએસએસ-બીજેપી ઉપર જણાવ્યું હતું કે, "આ કિશોરોનો ગુનો માત્ર એટલો હતો કે તેઓ કુવામાં નાહ્યા ! માનવતા ખરેખર જ સન્માન પામવા માટે સંઘર્ષ ખેડી રહી છે. જો આપણે આપણો અવાજ આ પ્રકારના અત્યાચારો વિરુદ્ધ બુલંદ નહિ કરીએ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને બીજેપીના ધિક્કાર-ઝેરીલા રાજકારણને ઇતિહાસ ક્યારેય માફ નહિ કરે."

  રાહુલ ગાંધીની આ ટિપ્પણીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આગામી દિવસોમાં કોંગ્રેસની એક ઉચ્ચસ્તરીય સમિતિ મહારાષ્ટ્રના આ ગામની મુલાકાત લે તેવી શકયતા છે. દરમિયાન, મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી ચંદ્રકાન્ત પાટીલે ગુરુવારે જણાવ્યું હતું કે, આ કૂવો ઈશ્વર જોશીનો હતો અને તેના નોકર સોનુ લોહારે આ કિશોરોને ફટકાર્યા હતા.આ મામલે બે વ્યક્તિઓ સામે પોક્સો હેઠળ ગુનો દાખલ થયો છે.
  Published by:News18 Gujarati
  First published:June 15, 2018, 15:01 IST

  ટૉપ ન્યૂઝ