રાહુલ ગાંધી મારા કેપ્ટન છે, તેઓ મને દરેક જગ્યાએ મોકલે છેઃ નવજોત સિદ્ધુ

નવજોત સિદ્ધુ

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા સિદ્ધુએ કહ્યુ હતુ કે કરતારપુર જવા માટે તેમણે પાર્ટી વડાની મંજૂરી લીધી હતી.

 • Share this:
  નવી દિલ્હીઃ પંજાબના મંત્રી નવજોતસિંઘ સિદ્ધુએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમના પર "કેપ્ટન"ના ચાર હાથ છે. નવજોતસિંઘ સિદ્ધુના આ 'કેપ્ટન' પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘ નહીં પરંતુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી છે. ઉલ્લેખનીય છે કે નવજોતસિંઘ સિદ્ધુ તાજેતરમાં જ મુખ્યમંત્રી કેપ્ટન અરમિન્દરસિંઘના વિરોધ છતાં પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા.

  પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘ "કેપ્ટન" નામ તરીકે પ્રસિદ્ધ છે. પાકિસ્તાનના લાહોરના કરતારપુર કોરિડોર કાર્યક્રમમાં હાજરી આપવાના નિર્ણય પર કેપ્ટન અમરિન્દરસિંઘે સિદ્ધુને ફરીથી વિચાર કરવાની સલાહ આપી હતી.

  શુક્રવારે હૈદારાબાદ ખાતે એક પ્રસંગે હાજરી આપતા સિદ્ધુએ કહ્યુ હતુ કે, "મારા કેપ્ટન રાહુલ ગાંધી છે, તેમણે જ મને દરેક જગ્યાએ મોકલ્યો છે."

  ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા સિદ્ધુએ કહ્યુ હતુ કે કરતારપુર જવા માટે તેમણે પાર્ટી વડાની મંજૂરી લીધી હતી, એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીના 20 જેટલા નેતાઓએ તેમને પાકિસ્તાન જવા કહ્યું હતું.

  ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા સિદ્ધુએ કહ્યુ હતુ કે, "આશરે 20 જેટલા કોંગ્રેસના નેતાઓએ મને પાકિસ્તાન જવા કહ્યું હતું. પાર્ટીની કેન્દ્રીય ટીમે મને પાકિસ્તાન મોકલ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી મારા પિતા સમાન છે. મેં તેમને પહેલા જ કહી દીધું હતું કે મેં પાકિસ્તાનને વચન આપ્યું હતું કે હું લાહોર જઈશ."

  જોકે, બાદમાં સિદ્ધુએ ટ્વિટ કરીને લખ્યું હતુ કે, "કોઈ વાતને ગાઈ વગાડીને કહેતા પહેલા સત્યની ચકાસી લો. રાહુલ ગાંધીએ મને ક્યારેય પાકિસ્તાન જવાનું નથી કહ્યું. આખી દુનિયા જાણે છે કે હું પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના વ્યક્તિગત નિમંત્રણ બાદ પાકિસ્તાન ગયો હતો."

  આ પણ વાંચોઃ EXCLUSIVE: કરતારપુર કોરિડોરનો ખોટો ઉપયોગ કરી શકે છે પાકિસ્તાન!

  નોંધનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાનના નિમંત્રણ બાદ લાહોરમાં કરતારપુર કોરિડોરના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા બદલ સિદ્ધુની ટીકા થઈ રહી છે.

  આ પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંધે ગુરુવારે જણાવ્યુ હતુ કે, "મેં સિદ્ધુને પાકિસ્તાન જવાના નિર્ણય પર પુર્નવિચારણા કરવાનું કહ્યું હતું. પરંતુ આ તેની વ્યક્તિગત મુલાકાત હોવાથી હું તેમાં વધારે દખલ ન કરી શક્યો."
  Published by:Vinod Zankhaliya
  First published: