લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ નવી દિલ્હીમાં આવેલ બીજેપી મુખ્યાલય પહોંચ્યા હતા.
કાર્યકર્તાઓને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશે આ ફકીરની ઝોલીને ભરી દીધી છે. આ માટે દેશના નાગરિકોને શિર ઝુકાવી નમન. દેશ આઝાદ થયો ઘણી લોકસભાની ચૂંટણી યોજાઈ પણ આ વખતે સૌથી વધારે મતદાન થયું હતું. આ લોકતંત્ર પ્રત્યે ભારતના લોકોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે હું પ્રથમ દિવસથી કહી રહ્યો હતો કે આ ચૂંટણી કોઈ દળ લડતું નથી, કોઈ ઉમેદવાર લડી રહ્યો નથી, કોઈ નેતા લડી રહ્યા નથી. આ ચૂંટણી દેશની જનતા લડી રહી છે.
પીએમે કહ્યું હતું કે હું આ લોકતંત્રના ઉત્સવ માટે જે-જે લોકોએ બલિદાન આપ્યું છે, જે ઈજાગ્રસ્ત થયા છે. તેના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું. આ 21મી સદી છે, આ નવું ભારત છે. આ ચૂંટણીનો વિજય મોદીનો વિજય નથી. આ દેશમાં ઇમાનદારીથી તડપતા નાગરિકની આશા-આકાંક્ષાનો વિજય છે. આ 21મી સદીના સપના લઈને ચાલતા યુવાનોના વિજય છે.
પીએમે કહ્યું હતું કે દેશે અમને ઘણું આપ્યું છે. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માગું છું કે તમે આ ફકીરને ઝોલી ભરી દીધી છે અને હું તમારી આશા-આકાંક્ષા અને સપનાને સમજું છું. દેશવાસીઓને કહેવા માંગીશ કે તમે મને જે જવાબદારી આપી છે, એનડીએના સાથીઓએ અમને જે સમર્થન આપ્યું છે. આવવાર દિવસોમાં ખોટા ઇરાદાઓથી કોઈ કામ કરીશ નહીં. હું મારા માટે કશું જ નહીં કરું. હું સાર્વજનિક રુપથી કહેવા માંગીશ કે મારા સમયનો દરેક ક્ષણ, મારા શરીરનો કણ-કણ ફક્ત અને ફક્ત મારા દેશવાસીઓ માટે છે.