ટામેટાના ભાવ ન મળતાં સાણંદ અને નાસિકના ખેડૂતો "લાલ" ચોળ

farmers

ચાલુ વર્ષે નાસિક આસપાસના તેમજ અન્ય વિસ્તારોમાં ટામેટાનો જંગી પાક ઉતરવા પામ્યો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી :  ગુજરાતમાં સાણંદ અને મહારાષ્ટ્રમાં નાસિકના ખેડૂતો ટામેટાનું ઉત્પાદન કરીને પસ્તાઇ રહ્યા છે. સાણંદ આજે ટામેટાના ખેડૂતોએ  રસ્તા  પર ટામેટા નાંખીને વિરોધ નોંધાવ્યો હતો. જંગી ઉત્પાદન પછી ટામેટાના ભાવ ઓછા આવતા ખેડૂતોને પ્રતિ કિલો 2 રૂપિયાનું નુક્શાન ઉઠાવાનો વારો આવ્યો હતો.

  મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ટામેટાનો જંગી પાક ઉતરતા બગડી જવાની ભીતિએ ખેડૂતો અને ટ્રેડર્સ દ્વારા બજારમાં મોટા પાયે જથ્થો ઠલવાતા નાસિકના જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ ગગડીને કિલોદીઠ રૂ.2 ના તળિયે ઉતરી આવ્યા હતા.

  ચાલુ વર્ષે નાસિક આસપાસના તેમજ અન્ય વિસ્તારોમાં ટામેટાનો જંગી પાક ઉતરવા પામ્યો છે. ટામેટાનું આયુષ્ય ઓછું હોય છે તેને લાંબો સમય મૂકી રાખવાથી જીવાત પડતી હોય છે.

  પાક બગડી જવાની ભીતિ પાછળ ખેડૂતો તેમજ વેપારીઓ દ્વારા જથ્થામાંથી માર્કેટમાં જંગી માલ ઠાલવવામાં આવ્યો છે. જેના કારણે નાસિક માર્કેટમાં ટામેટાના ભાવમાં ૨૫ ટકાથી વધુનું ગાબડું નોંધાયું છે.

  આ પણ વાંચો - દૂધ અસલી છે કે નકલી સ્માર્ટફોનથી પડી જશે ખબર, જાણો કેવી રીતે

  આ પૂર્વે બજારોમાં ટામેટા આઠ રૂપિયા કિલોના ભાવે મળતા હતા તે હાલ રૂ.6 ની આસપાસ મળે છે જ્યારે ચટણી, જ્યુસ, સહિત અન્ય વપરાશમાં લેવાતો નાની સાઇઝનો માલ કિલોદીઠ રૂ.2 થી રૂ.3ના ભાવે બજારોમાં ઉપલબ્ધ છે

  નાસિક માર્કેટ સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે નવેમ્બરમાં અગાઉ કરતા બમણાથી પણ વધુ ૪૭૦ ટન જેટલો માલ ઠલવાયો છે. જે અગાઉ ૨૦૮ ટન આસપાસ રહેતો હતો. આમ, જંગી આવકોના પગલે નાસિક અને મુંબઈ ખાતે ટામેટાના ભાવ નીચે ઉતરી આવ્યા છે. સાથે જ આ પ્રસંગે ખેડૂતોએ સરકાર પર પણ  પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે સરકાર ના પાણી આપે છે ના પાક વીમો, લોહી પાણી એક કરીને અમે ટામેટા ઉગાડ્યા હતા પણ હવે તેને પણ રસ્તે ફેંકવાનો વારો આવ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: