ડીલર્સને ચીમકીઃ પેટ્રોલ પંપ પર મોદીની તસવીર મૂકો નહીં તો પુરવઠો બંધ થશે

News18 Gujarati
Updated: August 27, 2018, 11:21 AM IST
ડીલર્સને ચીમકીઃ પેટ્રોલ પંપ પર મોદીની તસવીર મૂકો નહીં તો પુરવઠો બંધ થશે
પેટ્રોલ પંપ પર સરકારની જાહેરખબર

ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ઓફિસરો દરેક પેટ્રોલ પંપની મુલાકાત લઈ રહ્યા છે અને તેમને મોદીની બીપીએલ પરિવારો માટેની એલપીજી, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓની જાહેરાત પેટ્રોલપંપ પર બતાવવાનો આદેશ કરી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હી: ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી પેટ્રોલ પંપ ઓપરેટર્સને એક વિચિત્ર મૌખિક ફતવો જાહેર કરવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ ઓપરેટર્સના જણાવ્યા પ્રમાણે તેમને નરેન્દ્ર મોદીની તસવીર સાથેની જાહેરાત પેટ્રોલ પંપો પર લગાવવાની મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. આવું નહીં કરવાના કેસમાં પેટ્રોલનો પુરવઠો રોકી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

'ધ હિન્દુ' ન્યૂઝ પેપરના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઈઓસીએલ), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ને આવા આદેશ કરવામાં આવ્યા છે. ન્યૂઝ પેપરના જણાવ્યા પ્રમાણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ઓફિસરો દરેક પેટ્રોલ પંપની મુલાકાત લઈ રહ્યા છે અને તેમને મોદીની બીપીએલ પરિવારો માટેની એલપીજી, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓની જાહેરાત પેટ્રોલપંપ પર બતાવવાનો આદેશ કરી રહ્યા છે. સાથે એવું પણ કહેવામાં આવે છે કે આ જાહેરાતમાં મોદીની તસવીરનો ઉપયોગ કરવો ફરજિયાત છે.

કન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સના પ્રમુખ એસ.એસ.ગોગીએ ધ હિન્દુ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "તેમણે અમને રિટેલ આઉટલેટ્સ પર નરેન્દ્ર મોદીની તસવીર લગાવવાનો આદેશ કર્યો છે, આવું ન કરવા પર પુરવઠો રોકી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે."

'ધ પ્રિન્ટ' સાથે વાતચીત કરતા ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "કોઈ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીએ ડીલર્સને પુરવઠો રોકી દેવાની ચીમકી આપી નથી. અમે નરેન્દ્ર મોદીની તસવીર નહીં પરંતુ વિવિધ સ્કિમ્સને પ્રમોટ કરીએ છીએ. આમાથી અનેક સ્કિમ નરેન્દ્ર મોદીની સરકારે શરૂ કરી છે, આથી તેની જાહેરાત પર તેમની તસવીર છપાયેલી છે. આવી સ્કિમને પ્રમોટ કરતી વખતે તેમનો ફોટોગ્રાફ આવે તે સ્વાભાવિક છે. બસ આ સિવાય બીજું કંઈ જ નથી."

નોંધનીય છે કે જુલાઈ મહિનામાં ઓઇલ અને પાવર સેક્ટરની સરકારી કંપનીઓએ નરેન્દ્ર મોદી સરકારની વિવિધ યોજનાઓને જોરશોરથી પ્રમોટ કરવાની શરૂઆત કરી હતી. જે અંતર્ગત આઇઓસીએલ દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવાલા યોજનાને પ્રમોટ કરવા માટે 293 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું.
First published: August 27, 2018, 9:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading