દિવાળીએ રાત્રે 8થી 10 વચ્ચે જ ફટાકડા ફોડી શકાશે, સંપૂર્ણ પ્રતિબંધ નહીંઃ સુપ્રીમ કોર્ટ

પ્રતિકાત્મક તસવીર

દિવાળીના સમયમાં રાત્રે આઠથી દસ વાગ્યા સુધી અને ક્રિસમસ કે નવા વર્ષના દિવસે રાત્રે 11:45થી 12:45 સુધી જ ફટાકડા ફોડી શકાશે. - સુપ્રીમ કોર્ટ

  • Share this:
    નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડા પર પ્રતિબંધને લઈને પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. દેશભરમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણને લઈને થયેલી એક અરજી પર સુનાવણી બાદ જસ્ટિસ એ.કે. સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે આ અંગેનો ચુકાદો 28મી ઓગસ્ટ પર મુલતવી રાખ્યો હતો.

    સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ ન લગાવી શકાય. કોર્ટે કહ્યું છે કે સુરક્ષિત હોય એવા ફટાકડાનું નિર્માણ અને વેચાણ ચાલુ રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે અમુક શરતો પણ મૂકી છે. સાથે કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે આ નિયમ ફક્ત દિવાળી માટે જ નહીં પરંતુ બધા તહેવારોને લાગૂ પડશે.

    સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધનો ઇન્કાર કરતા કહ્યું છે કે, દિવાળીના સમયમાં રાત્રે આઠથી દસ વાગ્યા સુધી અને ક્રિસમસ કે નવા વર્ષના દિવસે રાત્રે 11:45થી 12:45 સુધી જ ફટાકડા ફોડી શકાશે.

    જે પ્રમાણે ફક્ત લાયસન્સ ધારક દુકાનદારો જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ઓનલાઇન ફટાકડાનું વેચાણ પ્રતિબંધિત રહશે. જો કોઈ ઓનલાઇન વેચાણ કરશે તો તેના વિરુદ્ધ કોર્ટના અનાદરનો કેસ કરવામાં આવશે.

    આ ઉપરાંત કોઈ પણ ધાર્મિક તહેવાર કે લગ્નોમાં પ્રતિબંધિત કેમિકલવાળા ફટાકડાનો ઉપયોગ નહીં કરી શકાય. આ ઉપરાંત નક્કી કરેલા ડેસિબલ સુધી અવાજ કરતા ફટાકડા જ ફોડી શકાશે. એટલે કે ભારે અવાજવાળા ફટાકડા પર પ્રતિબંધ રહેશે.

    સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યું હતું કે, પ્રતિબંધ સાથે જોડાયેલી અરજી પર વિચાર કરતા પહેલા ફટાકડા ઉત્પાદકોની આજીવિકાનો મૌલિક અધિકાર અને દેશના 1.3 અબજ લોકોના સ્વાસ્થ્યના અધિકાર સહિત વિવિધ મુદ્દાઓને ધ્યામાં રાખવાં પડશે.

    કોર્ટે કહ્યું, સંવિધાનના અનુચ્છેદ 21 (જીવન અધિકાર) તમામ વર્ગો પર લાગૂ થાય છે, તેમજ ફટાકડા પર દેશભરમાં પ્રતિબંધ લગાવવાનો વિચાર કરતી વખતે સંતુલન જાળવી રાખવું જરૂરી છે.

    કોર્ટે પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે ઉપાયો આપવાનો અનુરોધ કર્યો હતો. સાથે કોર્ટે સરકારને એવું પણ પૂછ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ લગાવવાથી તેનો લોકો પર શું પ્રભાવ પડશે.

    આ પણ વાંચોઃ દિવાળી પર બમ્પર ધમાકો, આ કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

    નોંધનીય છે કે શિયાળાએ દસ્તક દેતાની સાથે જ દેશની રાજધાની દિલ્હીનું વાયુ પ્રદૂષણ વધવા લાગ્યું છે. અહીં હવાની ગુણવત્તા ખરાબ સ્તર પર પહોંચી ગઈ છે. દેશના અન્ય શહેરોમાં પણ દિલ્હીની જેમ પ્રદૂષણ વધી રહ્યું છે. દિવાળી વખતે ફટાકડાના ધૂમાડાથી હાલત વધારે ખરાબ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ બાબતે દલીલો ચાલી રહી છે. એક વર્ગ એવું કહી રહ્યો છે કે દિવાળી પહેલા ફટાકડા પર કેવી રીતે પ્રતિબંધ લગાડી શકાય? બીજો વર્ગ પ્રદૂષણનું બહાનું આગળ ધરીને એવી દલીલ કરી રહ્યો છે કે ફટાકડા પર પ્રતિબંધ જરૂરી છે.

    આ અંગે ફટાકડાના વેપારીઓનું કહેવું છે કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાને બદલે તેના નિર્માણ, વેચાણ અને ઉપયોગને લઈને કડક નિયમ બનાવવા જોઈએ. નોંધનીય છે કે ગયા વર્ષે દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: