બીજેપી સાથે હિસાબ-કિતાબ કરી લેવાના મૂડમાં છે નીતીશકુમાર!

News18 Gujarati
Updated: May 29, 2018, 10:21 AM IST
બીજેપી સાથે હિસાબ-કિતાબ કરી લેવાના મૂડમાં છે નીતીશકુમાર!
ફાઇલ તસવીર

  • Share this:
નીતીશકુમાર ઈચ્છે છે કે મોદી સરકાર ડબલ એન્જિનના વાયદાને નિભાવે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો મોટો છે અને નીતીશ હવે તેના ઉપર ધ્યાન આપી રહ્યા છે.

આલોક કુમાર, પટના :  નીતીશકુમારે નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ત્રણ એવી બાબતો ઉપર ભાર મુક્યો છે જેનાથી અંદાઝ લગાવી શકાય કે, વધુ એક રાજ્યના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સાથે 'ગઠબંધનના ધર્મ' નું પાલન કદાચ આગામી દિવસોમાં ન કરે!

એક તરફ અમિત શાહ અને પીએમ મોદી તેમની પુરી ટીમ સાથે તેમની સરકારની સફળતાને ગણાવવામાં પડી છે ત્યારે બીજી તરફ નીતીશકુમારે બેન્કર્સને સંબોધિત કરતા જે વાતો કરી તે ચોંકાવનારી હતી. તેમણે સૌ પ્રથમ વખત મોદીના "નોટબંધી" ના નિર્ણયની ટીકા કરતા તેના ઉપર પ્રહાર કર્યા હતા. આ એ જ નીતીશકુમાર છે જેણે 'મહાગઠબંધન' માં રહેતા નોટબંધીના નિર્ણયને તત્કાલીન સમયે ઉચિત ગણાવ્યો હતો. એનડીએમાં આજે નીતીશને એક મજબૂત સમર્થક માનવામાં આવે છે ત્યારે આ પ્રકારની વાત કરવી તેને સ્વાભાવિક જ પલટવું કહી શકાય.

નીતીશ આટલી વાત કહીને રોકાયા હોત તો વાંધો નહોતો. તેમણે નીરવ મોદી, વિજય માલ્યા જેવા ભાગેડુ બિઝનૅસમૅનના નામ લીધા વગર બેન્કિંગ પ્રણાલિકા ઉપર જોરદાર પ્રહારો કર્યા હતા. નીતીશે એમ પણ કહ્યું હતું કે, 'શું આટલા મોટા પ્રમાણમાં થતા હજારો કરોડો રૂપિયાના ગોટાળાઓની જાણકારી હાઈ લેવલે નહિ હોય ? નીતીશ રાજનીતિના માહેર ખેલાડી છે. તેઓ જાણે છે કે તેમનું આ નિવેદન 'મોદી વિરોધીઓ' માટે હથિયાર બની શકે છે. નીતીશે આ સંદેશ અત્યંત સિફત પૂર્વક આપ્યો અને તેના પ્રત્યાઘાત પણ તરત મળ્યા. આ મામલે બિહાર વિપક્ષના નેતા તેજસ્વી યાદવે નીતીશ ઉપર મજાક કરતા કહ્યું, 'નીતીશ કાકાને ઘણા લાંબા સમયે આ મામલે જ્ઞાન પ્રાપ્ત થયું."

આ ઘટના બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતીશે નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષની ઉપલબ્ધીઓ વિષે કંઈપણ કહેવાનું ટાળ્યું અને પાછળ તરફ ઈશારો કરી કહ્યું, 'મારા તરફથી જવાબ સુશીલજી(સુશીલ મોદી) આપશે'. આ બાબત સ્પષ્ટપણે જણાવે છે કે, તેઓ મોદીના વખાણ કરવાને બદલે આ સમગ્ર મામલે બચવા માંગતા હતા, સામે પક્ષે ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી શું બોલશે તેનાથી ભાગ્યે જ કોઈ સામાન્ય વ્યકતિ અપરિચિત હશે!

'ગઠબંધન' સરકારનો ધર્મ નિભાવતા તેમને મોદી સરકારના ચાર વર્ષની પૂર્ણતાના ભાગરૂપે એક ટવિટ જરૂર કર્યું હતું, પરંતુ એ ટવિટના 24 કલાકમાં જ તેમણે જે કહેલું તે નીતીશનો અસલી મિજાજ બતાવે છે. તેમણે તેના ટ્વિટ્ટમાં કહેલું, "હું આશા રાખું છું કે કેન્દ્ર સરકાર પ્રજાની આશાઓ ઉપર ખરી ઉતરે'. મોદી સરકારની સફળતાઓ ગણાવવાને બદલે નીતીશે એ સંદેશ આપવાનું વધારે મુનાસીબ માન્યું કે હજુ એક વર્ષમાં આ સરકાર પાસે કરવા જેવા ઘણા કામ બાકી બચ્યા છે!આ બાબત શું દર્શાવે છે ? શું નીતીશનું મન બદલી રહ્યું છે ? આ અંગે નીતીશના એક વિશ્વાસુ અને ભાજપમાં પણ પહોંચ ધરાવતા નેતાએ જણાવ્યું હતું કે, 'નીતીશ ભાજપ સાથે આવતા પહેલા નરેન્દ્ર મોદીની સમાંતર ઉભા હતા અને વિપક્ષ તેમને પીએમના ઉમેદવાર બનાવી શકે તેમ હતું। આમ છતાં, તેમણે કથિતરૂપે ભ્રષ્ટાચારમાં ડૂબેલી રાજદ-કોંગ્રેસને છોડીને ભાજપ સાથે હાથ મિલાવી સ્વયંને બિહાર સુધી સીમિત કરી લીધા છે. તેનો મતલબ એમ નથી કે ભાજપ તેની શરતોના આધારે નીતીશ સરકારને ચલાવે!'

આ પૂર્વે રામનવમીના પ્રસંગે થયેલી સાંપ્રદાયિક હિંસા દરમિયાન ભાજપના નેતાઓએ નીતીશ ઉપર ભારે ગુસ્સો ઠાલવ્યો હતો. જયારે પીએમ મોદી પટણા આવ્યા ત્યારે નીતીશે બે હાથ જોડીને પટણા યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો આપવાની માંગ કરી હતી, જે વડાપ્રધાને સ્વીકારી નહોતી.જાહેરમંચ પરથી થયેલી નાલેશીને નીતીશ જેવો કદ્દાવર નેતા ક્યારેય સહન કરી શકતો નથી.

હવે એક તરફ બિહારમાં ભાજપના જોડાણથી બનેલી સરકાર તેનું પ્રથમ વર્ષગાંઠ અને કેન્દ્રની સરકાર તેના કાર્યકાળના અંતિમ વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે નીતીશ કેન્દ્ર સરકાર સાથે હિસાબ-કિતાબ કરી લેવાના મૂડમાં હોય તેવું જણાય છે. પીએમ મોદી તેમના ભાષણોમાં કહ્યા કરતા હતા કે, જો પટણા અને દિલ્હીમાં એક જ ગઠબંધનની સરકાર બની જાય તો વિકાસમાં ડબલ એન્જિન લાગી જાય. આ ડબલ એન્જિન પહેલા વિપક્ષને નહોતું દેખાતું, હવે નીતીશને પણ નથી દેખાતું

નીતીશ ઈચ્છે છે કે, મોદી સરકાર તેના આ ડબલ એન્જિનના વાયદાને નિભાવે। બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો પણ મોટો છે, આ મામલે પણ નીતીશ ભાર મૂકી રહ્યા છે. વિકાસના મુદ્દા સિવાય રાજનૈતિક ફલક ઉપર નીતીશ બિહારમાં સન્માનજનક સ્થાન ઈચ્છે છે. શિવસેનાની બગાવત અને ચંદ્રાબાબુ નાયડુએ એનડીએ સાથે છેડો ફાડી નાખ્યા બાદ જેડીયુએ પણ તેની પોલિટિકલ વૅલ્યુ સાબિત કરવાની માનસિકતા દૃઢ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: May 29, 2018, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading