નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના હમશકલ અભિનંદન પાઠક અનેક વખત બીજેપી માટે પ્રચાર કરી ચુક્યા છે. સહરાનપુરના નિવાસી અભિનંદન પાઠકે ઉત્તર પ્રદેશની ગોરખપુર લોકસભાના પેટાચૂંટણી વખતે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો. જોકે, હવે તેમણે નક્કી કર્યું છે કે તે બીજેપી માટે કોઈ જ પ્રચાર નહીં કરે. આ માટેનું કારણ પણ ખાસ છે.
શા માટે બીજેપી માટે નહીં કરે ચૂંટણી પ્રચાર?
હકીકતમાં લોકોના ગુસ્સાને કારણે અભિનંદન પાઠકનું હૃદય પરિવર્તન થઈ ગયું છે. કારણ કે સરકાર સામે લોકાના ગુસ્સાનો ભોગ તેમણે બનવું પડી રહ્યું છે.
આ અંગે વાતચીત કરતા અભિનંદન પાઠક કહે છે કે, "આજકાલ મોદી જે વિચારે છે અને જે કહે છે તેનાથી વિરુદ્ધમાં જ બીજેપી કામ કરી રહી છે. આ જ કારણે મેં હવેથી બીજેપીનો પ્રચાર નહીં કરવાનું મન બનાવી લીધું છે. લોકો મને સતત એવું પૂછી રહ્યા છે કે અચ્છે દિન કબ આયેંગે."
"લોકો મને શાપિત ગણી રહ્યા છે, આ માટે મને માર પણ પડી ચુક્યો છે. આ બધા કારણોને લીધે જ મેં હવે બીજેપીના વિરુદ્ધમાં પ્રચાર કરવાનો નિર્ણય લીધો છે. આગામી 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન હું કોંગ્રેસ માટે પ્રચાર કરીશ."
પાઠકે જણાવ્યું કે, તેમણે ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્બર સાથે મુલાકાત કરી છે. રાજ બબ્બરે તેમને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ તેની મુલાકાત યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી સાથે કરાવશે.
પાઠકે કોંગ્રેસ સાથે કામ કરવાનું મન બનાવી લીધું હોવા છતાં પીએમ મોદી પ્રત્યે તેમને કોઈ ધ્રૃણા નથી. મોદી વિશે તેઓ કહે છે કે, "મોદીએ ભારત દેશને આખી દુનિયામાં એક નવી જ ઓળખ આપી છે. મને પાર્ટી સામે વાંધો છે, પીએમ મોદી સાથે મને કોઈ વાંધો નથી."
પાઠકે વધુમાં કહ્યું કે, "પાર્ટી ફક્ત 'મન કી બાત' પર જ ધ્યાન આપી રહી છે. પરંતુ તે લોકોના મન કે હૃદયની વાત સાંભળવા માટે તૈયાર નથી."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર