નવી દિલ્હીઃ મુંબઈમાં ગુરુવારે 26 વર્ષ જૂનું એક સાત બેઠકવાળું નાનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં રહેલા બે પાયલટ, બે ટેક્નિશિયન અને વિમાન જે જગ્યાએ પડ્યું હતું તે કન્સટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા એક મજૂરનું મોત થયું છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે આ પ્લેનનું છેલ્લા એક મહિનાથી રિપેરિંગકામ ચાલુ હતું. છેલ્લા નવ વર્ષથી તેણે કોઈ ઉડાન ભરી ન હતી. એનડીટીવીના જણાવ્યા પ્રમાણે આ વિમાનને એક ટ્રકમાં દિલ્હીથી મુંબઈ લાવવામાં આવ્યું હતું. અહીં છેલ્લા એક મહિનાથી તેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું.
ટેસ્ટ ફ્લાઇટ માટે ઉડ્યું હતું વિમાન
ગુરુવારે ક્રેશ થયેલા વિમાને ટેસ્ટ માટે ઉડાન ભરી હતી, પરંતુ હવામાન તેના માટે અનુકૂળ ન હોવાથી તે તૂટી પડ્યું હતું. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે વિમાન ક્રેશમાં માર્યા ગયેલા બે પાયલટમાંથી એક એવી મારિયા ઝુબેરીના પતિએ પણ હવામાન અનુકૂળ ન હોવાની વાત કરી હતી. વિમાને બપોરે 12:20 વાગ્યે જુહુથી 50 મિનિટની ટેસ્ટ ફ્લાઇટ માટે ઉડાન ભરી હતી, જે 1:10 વાગ્યે એરપોર્ટથી આશરે ત્રણ કિલોમીટરના અંતરે તૂટી પડ્યું હતું.
વિમાન ક્રેશમાં મોતને ભેટેલી મહિલા પાયલટના પતિ પી. કુથરિયાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "રન વે પર પાણી ભરાયેલું હોવાથી બુધવારે ટેસ્ટ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ખરાબ હવામાનને કારણે આજે પણ ટેસ્ટ ફ્લાઇટ રદ કરવાની હતી. જો, આવું થયું હોત તો પાંચ લોકો બચી ગયા હોત. મેં મારી પત્નીને મેસેજ કર્યો હતો કે તેણીએ સલામત રીતે લેન્ડિંગ કર્યું છે કે નહીં. પરંતુ બાદમાં મને ટીવી પરથી જે થયું તેના સમાચાર મળ્યા હતાં."
વિમાન કન્ટ્રક્શન સાઇટ પર તૂટી પડ્યું હતું
ગુટખા કિંગ દીપક કોઠારીની માલિકી કંપનીનું આ પ્લેન વર્ષ 2014માં ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી ખરીદવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 22, 2008ના રોજ વિમાનને અકસ્માત નડ્યા બાદ તે હેંગરમાં પડ્યું હતું. અલાહાબાદ ખાતે લેન્ડિંગ વખતે વિમાન રન વે પરથી નીચે ઉતરી ગયું હતું. બાદમાં ઉત્તર પ્રદેશ સરકારે ટેન્ડર બહાર પાડીને તેને વેચવા કાઢ્યું હતું. ટેન્ડર ડોક્યુમેન્ટ્સ પ્રમાણે આ વિમાન ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિમાં ન હતું.
વિમાન ક્રેશમાં કોણ-કોણ માર્યા ગયા?
UY એવિએશન લિમિટેડની માલિકીનું કિંગ એર C-90(VT-UPZ) વિમાન જ્યારે ક્રેશ થયું ત્યારે તેમાં બે પાયલટ અને બે ટેક્નિશિયન સવાર હતા. મૃતકોમાં પાયલટ પ્રદીપ રાજપૂત, પાયલટ મારિયા ઝુબેરી, મેઇન્ટેનન્સ એન્જીનિયર સુરભી ગુપ્તા, ટેક્નિશિયન મનિષ પાંડે અને મજૂર ગોવિંદ દૂબેનો સમાવેશ થાય છે. વિમાન જ્યાં પડ્યું તે બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા બે મજૂરો પણ ઈજાગ્રસ્ત થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર