Home /News /india /મુંબઈ: સગીરને માર મારવા બદલ પોલિસ કોન્સ્ટેબલને ત્રણ વર્ષ જેલની આકરી સજા
મુંબઈ: સગીરને માર મારવા બદલ પોલિસ કોન્સ્ટેબલને ત્રણ વર્ષ જેલની આકરી સજા
પ્રતીકાત્મક તસવીર
2016માં પોલિસ કોન્સ્ટેબલે દાદરના એક બસ સ્ટોપ પાસે પાર્ક કરેલા પોતાના સ્કૂટર પર બેસવા બદલ એક 14 વર્ષીય વિદ્યાર્થી પર હુમલો કરીને એટલો માર માર્યો હતો કે તેના નાક અને મોમાંથી લોહી નીકળી આવ્યું હતું.
મુંબઈ. સગીર વયના વિદ્યાર્થીને ઢોર માર મારવા બદલ બરતરફ કરાયેલા 37 વર્ષીય પોલિસ કોન્સ્ટેબલને દોષી જાહેર કરીને તેને ત્રણ વર્ષ જેલની કડક સજા કરવામાં આવી છે. 2016માં પોલિસ કોન્સ્ટેબલે દાદરના એક બસ સ્ટોપ પાસે પાર્ક કરેલા પોતાના સ્કૂટર પર બેસવા બદલ એક 14 વર્ષીય વિદ્યાર્થી પર હુમલો કરીને એટલો માર માર્યો હતો કે તેના નાક અને મોમાંથી લોહી નીકળી આવ્યું હતું. આરોપી શૈલેષ કદમે માઇનરને બસ સ્ટોપ પાછળ આવેલી પોતાની બિલ્ડીંગની બારીમાંથી જોઈને બૂમ પાડી હતી અને પછી ત્યાં જઈને બાળક પર હુમલો કર્યો હતો.
કોર્ટે જણાવ્યું કે આરોપીએ વિદ્યાર્થીની ઉંમરને ધ્યાનમાં રાખ્યા વગર એક મામૂલી મુદ્દે બહુ ખરાબ રીતે માર્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રવીણ પી. દેશમાને જણાવ્યું કે, ‘આ ફરિયાદ બહુ ગંભીર છે કેમકે આરોપી એક પોલિસ કર્મચારી હતો અને લાચાર વ્યક્તિ, બાળકો કે જરૂરિયાતમંદની સુરક્ષા કરવી એ તેની ફરજ હતી.’ કોર્ટે આરોપીને 50,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે જેમાંથી 25,000 રૂપિયા માનસિક આઘાતનો ભોગ બનેલા એ સગીરને આપવામાં આવશે.
મેજિસ્ટ્રેટ કોર્ટે એ બાબતે પણ ધ્યાન દોર્યું કે અગાઉ આરોપીના નામે છેડતીના કેટલાંક કેસ પણ નોંધાયા છે.
પોલિસ અધિકારીનું ચરિત્ર કલંકિત છે: કોર્ટ એવું કહેવાય છે કે 2015માં એક મહિલા સહકર્મચારી સાથે દુર્વ્યવહાર કરવા બદલ અને જુહુ પોલિસ સ્ટેશનની પ્રોપર્ટીને નુકસાન પહોંચાડીને ગભરાયેલા ઓફિસરોને ચાકૂ દેખાડવા બદલ એ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, ‘આ કેસના દાખલા એ દર્શાવવા પૂરતા છે કે આરોપી બળનો ઉપયોગ કરીને દુર્વ્યવહાર કરવાનું ગુનાહિત વલણ ધરાવે છે.’
ઘાયલ થયેલા સગીર અને સાક્ષી બનેલા તેના મિત્રએ કોર્ટમાં જુબાની આપીને આરોપીને ઓળખ્યો હતો. સગીરના પિતાએ પણ કોર્ટમાં જુબાની આપી હતી. સગીરે જણાવ્યું કે, 22 જાન્યુઆરી, 2016ના તે હિન્દમાતા બસ સ્ટોપ પર હતો અને બસ સ્ટોપ પર કોઈ સીટ ખાલી ન હોવાથી તે ફૂટપાથ પર પાર્ક કરેલા સ્કૂટર પર બેઠો હતો. જ્યારે આરોપીએ તેને બસ સ્ટોપની પાછળની બિલ્ડીંગમાંથી જોયો ત્યારે તેણે રાડ પાડી અને નીચે આવીને તેને થપ્પડ અને મુક્કા માર્યા હતા. જ્યારે તેના મિત્રએ વચ્ચે પડવાનો પ્રયત્ન કર્યો ત્યારે આરોપીએ તેના ટુકડા કરી નાખવાની ધમકી આપી. માઈનરે જણાવ્યું કે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાને આ વાત જણાવી અને ભોઈવાડા પોલિસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અઠવાડિયા બાદ તેનો જામીન પર છૂટકારો થઈ ગયો હતો.
કોર્ટે આ મામલે ઉદારતા ન દાખવવાનો નિર્ણય લઈને જણાવ્યું કે, આરોપીનું ચરિત્ર કલંકિત છે અને તેનો વ્યવહાર આક્રમક છે એટલે નિવારક અભિગમ જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર