મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ પાસે ફુટઓવર બ્રિજ ધરાશાઇ થયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે અને 34થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુખ વ્યક્ત કર્યું છે. સીએમે કહ્યું હતું કે ફુટઓવર બ્રિજ ઓડિટમાં ફિટ જાહેર થયો હતો. સીએમે બ્રિજ ધરાશાયી થવાના મામલે તપાસના આદેશ આપ્યા છે.
સીએમ ફડણવીસે ટ્વિટ કરીને ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. સીએમે કહ્યું હતું કે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ પાસે ફુટઓવર બ્રિજ ધરાશાયી થવાના સમાચાર સાંભળી દુખ થયું. બીએમસી કમિશનર અને મુંબઈ પોલીસના અધિકારીઓ સાથે વાત કરીને ઈજાગ્રસ્તોની મદદ કરવા માટે કહ્યું છે.
સીએમ ફડણવીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મૃતક પરિજનોને 5 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાયની જાહેરાત કરી હતી.
બીજી તરફ મહારાષ્ટ્ર સરકારના મંત્રી વિનોદ તાવડેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ઈજાગ્રસ્તોની સારવાર સરકાર કરાવશે. પુલના સમારકામની જરુર હતી. આ ઘટનાની બીએમસી અને રેલવે તપાસ કરશે. કાટમાળમાં ફસાયેલા બધા લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.