રાજા, વાજા અને વાંદરા: કંઈ પણ કહે, તક મળે તો કરે’ય ખરા! મધ્યપ્રદેશ સરકારે થોડા સમય પહેલા ધાર્મિક ગુરુઓને-બાબાજીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવાની વાત કરી હતી, ત્યારે એ સમાચાર વાંચીને આપણને સહુને આંચકો લાગેલો ! એક સમાચારે ત્યારપછી વાસ્તવિકતા ધારણ કરી અને ખરેખર જ કેટલાક બાબાઓ સરકારમાં મંત્રી બની ગયા.
આ પૈકીના એક અને મઘ્યપ્રદેશ્માં કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા અખિલેશ્વરાનંદજીએ મુખ્યમંત્રી શિવરાજસિંહ સમક્ષ રાજ્યમાં એક 'ગાય મંત્રાલય' ઉભો કરવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, "હું સરકાર સમક્ષ નિવેદન કરું છું કે એક ગાય મંત્રાલયનું પણ સરકાર નિર્માણ કરે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ખુદ એક ખેડૂત છે અને અમારા જેવા લોકો તેમને આ કામમાં મદદરૂપ થશે. આ કાર્યમાં મારી સાથે પ્રજાજનો પણ છે.'
ઉલ્લેખનીય છે કે, અખિલેશ્વરાનંદજીને થોડા સમય પહેલા જ કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ પૂર્વે તેમને 'નર્મદા સંરક્ષણ પેનલ'માં નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં કમ્પ્યુટર બાબા (નામદેવ ત્યાગી), પંડિત યોગેન્દ્ર મહંત, ભૈયુજી મહારાજ, સ્વામી હરિહરાનંદ સરસ્વતી અને નર્મદાનંદજી શામેલ હતા. જો કે અખિલેશ્વરાનંદગિરી આ લોકો સાથે પેનલમાં રહેવા માંગતા નહોતા.
તેઓ 'નર્મદા સંરક્ષણ પેનલ'ની ઘણી બેઠકોમાં ગેરહાજર રહ્યા હતા. જે-જે બેઠકમાં કમ્પ્યુટર બાબા અને પંડિત યોગેન્દ્ર મહંત હાજર હોય ત્યાં-ત્યાં તેમની ગેરહાજરી સૂચક રહી છે. 10 જૂન, 2018ના રોજ તેઓ શિવરાજસિંહ ચૌહાણ સાથે 'કિસાન સંમેલન'માં એક મંચ ઉપર દેખાયાં હતા. 11 જૂનના રોજ તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર