'પ્રમાણિક' મોદી ભ્રષ્ટાચારને નાથતા RTIના કાયદાને જ નબળો પાડવા સંસદમાં બિલ લાવશે

News18 Gujarati
Updated: July 18, 2018, 12:11 PM IST
'પ્રમાણિક' મોદી ભ્રષ્ટાચારને નાથતા RTIના કાયદાને જ નબળો પાડવા સંસદમાં બિલ લાવશે
Illustration by Mir Suhail/News18.com

  • Share this:
પંક્તિ જોગ

દેશમાં 2014માં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે ગાઇ વગાડીને કહ્યુ હતુ કે, તેમની સરકાર પારદર્શક હશે અને જનતાને તેઓ તેમના કાર્યનો હિસાબ આપશે. પણ મોદીના શાસનના ચાર વર્ષ પુરા થયા. આ ચાર વર્ષમાં હિસાબ આપવાની વાત તો દૂર રહી, પણ જે કાયદા થકી લોકો સરકારની વહીવટમાં પારદર્શક્તા લાવી શકતા હતા અને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા હતા તે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (માહિતી અધિકારનો કાયદા)-2005ને જ ધરમૂળથી બદલવા માંગે છે અને સંસદના આ ચોમાસુ સત્રમાં માહિતી અધિકારના કાયદામાં સુધારા બિલ રજૂ કરશે. નરેન્દ્ર મોદી પ્રમાણિક્તાની અના પારદર્શક્તાની વાતો તો કરે છે પણ વાસ્તવિક્તા કંઇક જુદી છે. જો તેમની સરકાર પ્રમાણિક અને પારદર્શક વહીવટ કરે છે તો પછી માહિતી અધિકારના કાયદામાં સુધારો લાવવાની કેમ જરુર ઉભી થઇ?

માહિતી અધિકારના કાયદામાં ફેરફાર થઇ રહ્યો છે તે સમાચાર મળતા જ, દેશભરમાં માહિતી અધિકારના કાયદા માટે લડતા લોકો ભેગા થયા અને તેનો વિરોધ કર્યો. સરકાર આ કાયદામાં શું ફેરફાર કરવા માંગે છે તે જાણવાનો પણ પ્રયત્ન કર્યો. પણ સરકારમાંથી કોઇ જબાબ મળ્યો નહીં.

પણ સંસદના પહેલા દિવસનો એજન્ડા બહાર પડ્યો અને તેમાં “માહિતી અધિકાર કાયદાનું ફેરફાર અંગેનું બીલ ટેબલ થવા માટે લીસ્ટ થયું. જો કે, આ કાયદામાં સરકાર શું ફેરફાર કરવાની છે તેનો મુસદ્દો જાહેર કરાયો નથી. ગુજરાતમાં જેમ વર્ષોથી વિધાનસભામાં “CAG નો અહેવાલ” છેલ્લા દિવસે મૂકવામાં આવે છે, એ રીતે મંગળવારે બપોર પછી સાંસદોને માહિતી અધિકારના કાયદામાં “ફેરફાર’ve બીલનો મુસદ્દો મળ્યો.

આ મુસદ્દામાં કહ્યા મુજબ, આ બીલથી કેન્દ્ર સરકાર મુખ્યત્વે માહિતી આયોગની સત્તા પર અંકુશ લાવવા માંગે છે. મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

1) હાલના માહિતી અધિકારના કાયદા મુજબ કેન્દ્રીય અથવા રાજ્ય માહિતી આયોગમાં જે મુખ્ય માહિતી કમિશ્નર અને અન્ય માહિતી કમિશ્નર હોય છે તેમનો ફરજનો સમયગાળો ૬૫ વર્ષ અથવા ૫ વર્ષ બે માંથી જે ઓછું હોય તે, અવી તેવી જોગવાઈ છે.. તેને બદલીને સરકાર હવે માહિતી કમિશ્નરનો સમયગાળો કેન્દ્ર સરકાર નક્કી કરશે. એટલે કોઈ કમિશ્નર ૧૦ વર્ષ માટે કે તેથી વધુ સમય માટે પણ કમિશ્નર રહી શકે અને કોઈ ને ૬ મહિનામાં પણ દૂર કરી શકાય. આ એક ખતરનાક બાબત ગણાય. કેમ કે, આ પદ પર વધુ સમય રહેવા માટે પણ પંચ તરફથી સરકારને ગમે તેવા ચુકાદા આપવાની વલણ ઉભું થશે.

2) માહિતી કમિશ્નરનો હોદ્દો “ચુંટણી પંચ કમિશ્નર સમકક્ષ હતો તેને બદલીને હવે આ અંગે કેન્દ્ર સરકાર નક્કી કરશે. આ ફેરફાર માટે મુસદ્દામાં કારણ દર્શાવ્યુ છે કે, ચુંટણી પંચ અને માહિતી કમિશ્નરના કાર્યો અને જવાબદારીઓ જુદી જુદી છે, જે સ્વાભાવિક છે. આ જોગવાઈ તેની સ્વાયતતા નક્કી કરવાના સંદર્ભમાં હતી. નહી કે કાર્યનાં સંદર્ભમાં. માહિતી પંચના પગાર હવેથી કેન્દ્ર સરકાર નક્કી કરશે. એટલે કે, તેમના પર હવેથી કેન્દ્ર સરકારનો અંકુશ રહેશે.

3) ત્રીજો એક ફેરફાર એ છે કે, તેમના પગારની સાથે-સાથે તેમની કામ કરવાની શરતો અને નિયમો પણ કેન્દ્ર સરકાર નક્કી કરશે. અહી એક જ જગ્યાએ “સમુચિત સરકાર” એવો શબ્દનો ઉપયોગ કર્યો છે, અને બાકી તમામ જગ્યાએ માત્ર કેન્દ્ર સરકાર એમ કહ્યું છે. છે. એટલે, તમામ રાજ્યોના માહિતી પંચોના પગાર, નિયમો, અને કાર્ય કરવા માટેની શરતો હવેથી દિલ્હીમાં નક્કી થશે.

માહિતી અધિકારની કાયદામાં આ સૂચિત ફેરફારો માહિતી આયોગનું સ્વતંત્ર અસ્તિત્વ, તટસ્થતા અને સ્વાયત્તતા સંપૂર્ણ પણે ખતમ થઇ જશે અને માહિતી આયોગ કેન્દ્ર સરકારની કઠપૂતળી બની જશે.

આ ફેરફારનો વિરોધ ભારતભર જ નહિ, પણ વિદેશમાં વસતા ભારતીય નાગરીકોએ પણ પત્ર અને ઈમેલ દ્વારા નોંધાવ્યો છે. હવે સૌથી દુઃખ અને આશ્ચર્યની વાત એ છે કે, આ બીલ મામલે, નાગરીકો સાથે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. માહિતી અધિકાર કાયદાની કલમ ૪(૧) ગ મુજબ આવા કોઈ પણ નિર્ણય, જેનાથી જનતાને અસર થવાની હોય તે કરતા પહેલા, કરતી વેળાએ અને કર્યા બાદ તમામ માહિતી ,લોકો સમક્ષ મુકવી ફરજીયાત છે. તેનો તદ્દન ભંગ કર્યો છે. જે માહિતી અધિકાર કાયદો લોકોના ૧૫ વર્ષ ના સંઘર્ષ બાદ ઘડાયો. જે કાયદો ડ્રાફ્ટ કરતી વખતે ૩ વર્ષ સુધી ચર્ચાઓ ચાલી, તેમાં ફેરફાર કરતી વખતે મોદી સરકારને નાગરિકોને પૂછવાનું પણ જરૂરી ન લાગ્યું.

જે વડાપ્રદાન જનતાને હિસાબ આપવાની વાત કરતા હતા તેઓ સરકાર પાસેથી જનતાનો હિસાબ માંગવાનો અધિકાર જ છીનવી રહ્યા છે, નબળો પાડી રહ્યા છે.

(પંક્તિ જોગ આર.ટી.આઇ એક્ટિવીસ્ટ છે. લેખમાં રજૂ થયેલા મંતવ્યો તેમના અંગત છે.)
First published: July 18, 2018, 11:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading