માનહાનિ કેસમાં એમ.જે. અકબર માટે કામ કરશે 97 વકીલ, મંગળવારે થશે સુનાવણી

#MeToo મામલામાં એમજે અકબરે મહિલા પત્રકાર સામે કર્યો માનહાનિનો દાવો

ફર્મનું કહેવું છે કે તેમાંથી ફક્ત 6 વકીલ જ કોર્ટમાં અકબરનો પક્ષ રાખશે

 • Share this:
  #MeToo આરોપોમાં ફસેલા કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબરે એક મહિલા પત્રકાર સામે આપરાધિક માનહાનિનો દાવો કર્યો છે. તેમણે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાના વકીલો મારફતે આ કેસ દાખલ કર્યો છે. આપરાધિક માનહાનિમાં આઈપીસીની કલમ 499, 500 પ્રમાણે બે વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

  દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં અકબરનો કેસ કરનજાવાલા એન્ડ કો ફર્મ લડશે. આ ફર્મના 97 વકીલોની ટીમ એમજે અકબર કેસ પર કામ કરી રહી છે. જોકે ફર્મનું કહેવું છે કે તેમાંથી ફક્ત 6 વકીલ જ કોર્ટમાં અકબરનો પક્ષ રાખશે. પટિયાલા હાઉસ કોર્ટમાં મંગળવારે આ કેસની સુનાવણી થશે.

  લો ફર્મ કરનજાવાલા એન્ડ કો ના પ્રવક્તાએ કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રી એમજે અકબરે અમારા ફર્મ દ્વારા પત્રકાર સામે માનહાનિનો કેસ કર્યો છે. અમારા ફર્મમાં કુલ 100 વકીલ છે. અમારી ક્રિમિનલ ટીમમાં 6 સભ્ય છે અને આ 6 વકીલ જ પટિયાલા કોર્ટમાં એમજે અકબરનો કેસ લડશે.

  લો ફર્મના મતે સીનિયર પાર્ટનર સંદીપ કપૂર, પ્રિન્સિપલ એસોસિયેટ વીર સંધૂ, સીનિયર એસોસિએટ નિહારીકા કરનજાવાલા, અપૂર્વ પાંડેય, મયંક દત્તા અને એસોસિયેટ ગુડિપતિ જી.કશ્યપ પટિયાલા કોર્ટમાં એમજે અકબરનો કેસ રાખશે.

  યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલા કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબર તેમના વિદેશ પ્રવાસથી રવિવારે જ ભારત પરત ફર્યા છે. આ પછી તેમણે નિવદેન આપ્યું છે કે, તેમની સામે કરવામાં આવેલા તમામ આરોપો ખોટા અને ઉપજાવી કાઢેલા છે. તેમણે કહ્યું હતું કે તે મહિલા સામે સખત કાનુની કાર્યવાહી કરશે, જેમણે તેમની સામે આરોપો લગાવ્યા છે.

  અકબર પર સૌ પહેલા પ્રિયા રામાની નામની પત્રકારે આક્ષેપ લગાવ્યો હતો. ગયા વર્ષે એક મેગેઝિમાં એમ.જે. અકબરનું નામ લીધા વગર તેણે એક લેખ લખ્યો હતો. ગયા અઠવાડિયે પ્રિયાએ જાહેરાત કરી હતી લેખમાં જે વ્યક્તિની ઓળખ છૂપાવવામાં આવી હતી તે એમ.જે.અકબર હતા.

  આ પણ વાંચોઃ  ચેતન ભગત પર ઓરોપ કરનાર ઇરાએ જ તેને લખેલું: Miss You, Kiss you

  નોંધનીય છે કે એમ.જે અકબર બીજેપી તરફથી રાજ્યસભાના સભ્ય તેમજ કેન્દ્રમાં રાજ્ય વિદેશ મંત્રી છે. રાજકારણ પહેલા તેઓ પ્રસિદ્ધ અખબાર ધ ટેલિગ્રાફ, એશિયન એજ અને ધ સન્ડે ગાર્ડિયન જેવા અખબારના તંત્રી રહી ચુક્યા છે.
  Published by:Ashish Goyal
  First published: