અમૃતસરઃ પંજાબ સરકારના અધિકારીઓને જ્યારે તેમના મોબાઇલ ફોનમાં પગાર અંગેનો સંદેશ મળ્યો ત્યારે તેમની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. કારણ કે તેમને ઓક્ટોબર મહિના માટે ડબલ પગાર મળ્યો હતો. કર્મચારીઓએ વિચાર્યું હતું કે સરકારે કદાચ તેમને દિવાળી બોનસ આપ્યું છે. પરંતુ કર્મચારીઓની આ ખુશી બહુ વધારે સમય સુધી ટકી ન હતી.
કર્મચારીઓ પરિવાર સાથે વેકેશનનો પ્લાન બનાવે અથવા શોપિંગ કરે તે પહેલા જ અધિકારીઓ તરફથી સંદેશ આપવામાં આવ્યો હતો કે તેમના બેંક ખાતામાં જે ડબલ પગાર જમા થયો છે તે ટેક્નિકલ ભૂલને કારણે થયો છે. આથી જેમને ડબલ પગાર મળ્યો છે તેમણે આ પગાર ખાતામાંથી ઉપાડવો નહીં.
જિલ્લા ટ્રેજરી અધિકારી એ.કે. મૈનીએ આ અંગે તમામ સરકારી ઓફિસોના વડાને એક નોટિસ મોકલીને જણાવ્યું હતું કે, ભૂલને કારણે કર્મચારીઓના ખાતામાં ડબલ પગાર જમા થયો છે. થોડા સમયમાં જ તેમના ખાતામાંથી એક પગાર પરત લેવામાં આવશે.
આ અંગે મીડિયાએ સંપર્ક કરતા મૈનીએ જણાવ્યું હતું કે આવું ફક્ત અમૃતસરમાં જ નહીં પરંતા આખા પંજાબમાં થયું છે. સરકારના ટ્રેજરી વિભાગના સોફ્ટવેરમાં સર્જાયેલી એક ખામીને કારણે આવું બનાવ પામ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોટા ભાગના સરકારી કર્મચારીઓના બેંક ખાતામાં ઓક્ટોબરના પગાર તરીકે બેગણી રકમ જમા થઈ ગઈ હતી.
આ બાબતે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સહિત તમામ સરકારી વિભાગોને કહેવામાં આવ્યું છે કે જમા થયેલી રકમમાંથી એક ભાગ ઉપાડવો નહીં. ટ્રેજરી વિભાગ તરફથી આ પગાર ટૂંક સમયમાં પરત લેવામાં આવશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ફક્ત અમૃતસર જિલ્લામાં જ આશરે 40થી 50 કરોડનો વધારેનો પગાર કર્મચારીઓને ચુકવી દેવાયો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર