મુંબઇમાં રેલવે ટ્રેક પર ઊંઘી ગયો વ્યક્તિ, ઘટના સીસીટીવીમાં કેદ

આધેડ રેલવે ટ્રેક પર જ ઊંઘી ગયો હતો.

  • Share this:
    પારિવારિક સમસ્યાઓને લઈને મુંબઈમાં એક 54 વર્ષીય આધેડે કુર્લા રેલવે સ્ટેશન ખાતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારે બપોરે આશરે 1:30 વાગ્યાની આસપાસ આધેડ રેલવે ટ્રેક પર ઊંઘી ગયો હતો. જોકે, ટ્રેન આવે તે પહેલા જ રેલવે પ્રોટેક્શન ફોર્સ(આરપીએફ)ના કર્મીઓ અને સ્ટેશન પર હાજર મુસાફરો દોડી ગયા હતા અને તેને બચાવી લીધો હતો.

    આ સમગ્ર બનાવ રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

    આ વ્યક્તિની ઓળખ નરેન્દ્ર દામજી કોટેકર તરીકે કરવામાં આવી છે. કોટેકરે પોલીસને જણાવ્યું હતું કે પારિવારિક સમસ્યાઓને લઈને ત્રાસીને તે પોતાની જિંદગીનો અંત આણવા માંગે છે.

    કોટેકરના કાઉન્સેલિંગ બાદ તેના પરિવારને બોલાવવામાં આવ્યો હતો અને પરિવારના સભ્યોનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

    નોંધનીય છે કે એક દિવસ પહેલા જ પનવેલ રેલવે સ્ટેશન ખાતે એક સજાગ પોલીસકર્મીએ એક મુસાફરનો જીવ બચાવ્યો હતો. મુસાફર ટ્રેન ઉપડી ગઈ હોવાથી તેમાં ચડવા માટે દોડ્યો હતો અને ઢસડાયો હતો. આ દરમિયાન તે પ્લેટફોર્મથી નીચે પાટા પર પડે તે પહેલા જ પોલીસકર્મીએ કૂદીને તેને ખેંચી લીધો હતો. આ સમયે મુસાફરો પણ પોલીસકર્મીની મદદે દોડી ગયા હતા.

    ફેબ્રુઆરી પાંચના રોજ મુંબઇના એક રેલવે સ્ટેશન ખાતે આરપીએફના જવાનોએ સાત વર્ષના બાળકને બચાવી લીધો હતો. સુનિલ કુમાર નાપાની ચપળતાને કારણે સાત વર્ષનો બાળક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે રહેલા ગેપમાં પડતા બચી ગયો હતો.

    વીડિયો જુઓઃ

    મુંબઈની જીવાદોરી સમાન લોકલમાં દરરોજ અનેક અકસ્માત થાય છે. એક અંદાજ પ્રમાણે મુંબઈ લોકલને દરરોજ આઠ અકસ્માત નડે છે. સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2017માં ટ્રેન અકસ્માતોમાં આશરે 3,000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published: