Home /News /india /

હિન્દુ-મુસ્લિમ યુગલની પાસપોર્ટ અરજી ફગાવી દેનાર પાસપોર્ટ અધિકારીની બદલી

હિન્દુ-મુસ્લિમ યુગલની પાસપોર્ટ અરજી ફગાવી દેનાર પાસપોર્ટ અધિકારીની બદલી

પાસપોર્ટ માટે અરજી કરનરા અનસ અને તન્વી

  ઉત્તર પ્રદેશના લખનઉમાં બે અલગ અલગ ધર્મના જોડાની પાસપોર્ટ અરજી ફગાવી દેનાર અને કથિત રીતે યુગલનું અપમાન કરનાર પાસપોર્ટ અધિકારીની બદલી કરી દેવામાં આવી છે. આ સાથે જ આ મામલે તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે.

  આ કેસમાં વિદેશ મંત્રાલયના સચિવ ડીએમ મુલેય દ્વારા બહુ ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આ મામલે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે પીડિત યુગલને બુધવારે પાસપોર્ટ ઓફિસ બોલાવવામાં આવ્યું હતું, તેમજ આજે (ગુરુવારે) તેની પાસપોર્ટ અરજીને વધુ પ્રોસેસ માટે આગળ મોકલી દેવામાં આવી છે.

  આ દંપતીએ ફરિયાદ કરી હતી કે બંને અલગ અલગ ધર્મના હોવાને કારણે પાસપોર્ટ અધિકારીએ તેમની અરજી રદ કરી દીધી હતી. ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા અનસ અને તન્વીએ આરોપ લગાવ્યો હતો કે પાસપોર્ટ ઓફિસરે અલગ અલગ ધર્મના હોવા છતાં લગ્ન કરવા બદલ તેમનું અપમાન કર્યું હતું અને તેની અરજી રદ કરી નાખી હતી. અનસે એવો આરોપ લગાવ્યો હતો કે અધિકારીએ તેને પોતાનો ધર્મ બદલીને હિન્દુ બનવાની સલાહ આપી હતી. આ યુગલે મંત્રી સુષ્મા સ્વરાજ તેમજ પીએમઓને ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી તેમજ, આ અંગે દખલ દેવાની માંગ કરી હતી.

  મોહમ્મ્દ અનસ સિદ્દીકીએ વર્ષ 2007માં લખનઉમાં તન્વી સેઠ સાથે લગ્ન કર્યા હતા. બંનેને છ વર્ષની દીકરી છે. અનસે સિદ્દીકીએ 19 જૂનના રોજ પોતાના અને પત્નીના પાસપોર્ટ માટેની અરજી આપી હતી. 20 જૂનના રોજ લખનઉ પાસપોર્ટ ઓફિસ ખાતે બંનેની મુલાકાત હતી. આ યુગલે 'એ' અને 'બી' સ્ટેજ પાર કરી લીધું હતું, પરંતુ 'સી' સ્ટેજ વખતે સમસ્યા આવી હતી.

  ન્યૂઝ 18 સાથે વાતચીત કરતા અનસે જણાવ્યું હતું કે, "મારા પહેલા મારી પત્નીને બોલાવવામાં આવી હતી. તે 'સી5' કાઉન્ટર પર ગઈ ત્યારે વિકાસ મિશ્રા નામના એક ઓફિસરે તેના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા હતા. જ્યારે તેણે સ્પાઉઝ (પતિ/પત્નીનું નામ) તરીકે મોહમ્મદ અનસ સિદ્દીકીનું નામ જોયું ત્યારે તે મારી પત્ની પર બૂમો પાડવા લાગ્યો હતો. ઓફિસરનું કહેવું હતું કે મારી પત્નીએ મારી સાથે લગ્ન કરવા જોઈતા ન હતા. બાદમાં ઓફિસરે કહ્યું કે તે તમામ ડોક્યુમેન્ટ્સમાં સુધારો કરીને ફરીથી આવે."

  અનસે જણાવ્યું હતું કે, "મારી પત્ની તન્વીએ ઓફિસરને કહ્યું કે તે પોતાનું નામ બદલવા નથી માંગતી કારણ કે અમારા પરિવારને કોઈ સમસ્યા નથી. આવું સાંભળીને પાસપોર્ટ ઓફિસરે તેને કહ્યું કે તે APO ઓફિસ ચાલી જાય, કારણ કે તેની ફાઇલ APO ઓફિસમાં મોકલવામાં આવી રહી છે."

  અનસ સિદ્દીકીના જણાવ્યા પ્રમાણે, "બાદમાં પાસપોર્ટ ઓફિસરે મને બોલાવ્યો હતો અને મારું અપમાન કર્યું હતું. તેણે કહ્યું કે હું હિન્દુ ઘર્મ અંગીકાર કરું, નહીં તો મારા લગ્ન માન્ય નહીં રહે. તેણે સલાહ આપી કે મારે ફેરા લઇને લગ્ન કરવા જોઈએ અને ધર્મ બદલી લેવો જોઈએ."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: પાસપોર્ટ, સુષ્મા સ્વરાજ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन