બીજેપીના માર્ગદર્શક મંડળના સભ્ય અને પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી ફરી એક વખત લોકસભાની ચૂંટણી લડશે કે નહીં તેનો નિર્ણય પાર્ટીએ તેમના ઉપર છોડ્યો છે. બીજેપીના કેટલાક નેતાઓના મતે અડવાણી, મુરલી મનોહર જોષી, સુમિત્રા મહાજન, શાંતા કુમાર, બીસી ખંડુરી, હુકમદેવ નારાયણ યાદવ, બીએસ યેદુયુરપ્પા જેવા 75 વર્ષને પાર કરી ગયેલા નેતા પર ચૂંટણી લડવાનો કોઈ પ્રતિબંધ નથી. તેમનું કહેવું છે કે આ નિયમ ચૂંટણી લડવા વિશે નથી. જોકે એ નક્કી છે કે 75 પાર કરી ગયેલા નેતાને કોઈ મંત્રી પદ આપવામાં આવશે નહીં.
જોકે એ જાણકારી નથી કે 91 વર્ષના અડવાણી અને 84 વર્ષના મુરલી મનોહર જોષી ફરીથી ચૂંટણી લડશે કે નહીં. જોષીના નજીકના સુત્રોના મતે પાર્ટી જે પણ નિર્ણય કરશે તેનો તે સ્વિકાર કરશે.
બીજેપી નેતાઓનું એવું પણ કહેવું છે કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો ચૂંટણી ન લડવાનો નિર્ણય તેમનો પોતાનો છે. પાર્ટીએ આ વિશે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતીએ સ્વાસ્થ્યના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
મધ્ય પ્રદેશમાં આવા જ એક મોટી ઉંમરના બીજેપી નેતા બાબુલાલ ગૌર પાર્ટી માટે પરેશાનીનું કારણ બન્યા છે. તે હાલ પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ લડવા માંગતા હતા. બાદમાં પાર્ટીએ તેમની વહુને ટિકિટ આપી મનાવી લીધા હતા. હવે તે પાર્ટીને ધમકાવી રહ્યા છે કે કોંગ્રેસ તેમને ભોપાલ લોકસભા પરથી ઉમેદવાર બનાવવા માંગે છે.
ઉત્તર પ્રદેશના બદલતા રાજકારણ વચ્ચે બીજેપી મુરલી મનોહર જોષી અને કલરાજ મિશ્ર જેવા કદાવર બ્રાહ્મણ નેતાઓને ચૂંટણી ન લડાવવાનું જોખમ લઈ શકે તેમ નથી. ખાસ કરીને ત્યારે જ્યારે કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વાંચલની જવાબદારી આપી છે. કોંગ્રેસનો પ્રયત્ન આ વિસ્તારમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર બ્રાહ્મણ મતદાતાઓને પોતાના તરફ કરવાનો છે. કલરાજ મિશ્ર પૂર્વાંચલની દેવરિયા અને મુરલી મનોહર કાનપુરથી લોકસભા સાંસદ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર