કેરળની સ્થિતિ દયનીય : રાહત શિબિરોમાં 10 લાખ લોકો

 • Share this:
  ભારે વરસાદ અને પૂરની સ્થિતિથી અત્યંત ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહેલા કેરળમાં શુક્રવાર-શનિવારે વરસાદ થોડો ઓછો થતા રાજ્યસરકારે તમામ 14 જિલ્લાઓમાંથી 'રેડ એલર્ટ' હટાવી લીધું છે. આમ છતાં, 10 જિલ્લાઓમાં હજુ પણ 'ઓરેન્જ એલર્ટ' બરકરાર છે, જયારે બે જિલ્લામાં 'યલો એલર્ટ' છે. કેરળ રાજ્ય પરિવહન નિગમે કેરળ અને કર્ણાટક વચ્ચે બસ સેવા પુનઃ શરૂ કરવાની ઘોષણા કરી છે.

  કેરળની પરિસ્થિતિ અંગે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી કે.જે. અલ્ફોઝે જણાવ્યું હતું કે, અહીંના લોકો માટે કપરો સમય ચાલી રહ્યો છે. આ તકલીફની પરિસ્થિતિમાં પૂરપ્રભાવિત લોકોને તમામ મદદ પુરી પાડવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદી કેરળના મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમા છે. એનડીઆરએફ અને અર્ધલશ્કરી દળો સતત ખડે પગે છે અને બચાવકાર્યમાં તેમનું યોગદાન આપી રહ્યા છે. રાહત કાર્યોમાં પણ લગભગ 10 લાખ લોકો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, 8 ઑગષ્ટથી શરુ થયેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થતિને કારણે અહીં મૃત્યુ આંક વધીને 357 ઉપર પહોંચ્યો છે. શનિવારે 33થી વધુ શબ મળ્યા હતા. ભૂસ્ખલન અને પૂરના લીધે આશરે 3 લાખથી વધુ લોકો બેઘર થઇ ગયા છે. સંયુક્ત આરબ અમીરાતે પછી હવે કતાર દ્વારા પણ કેરાલને લગભગ 5 મિલિયન ડોલર્સ એટલે કે 35 કરોડની સહાયતાની જાહેરાત કરી છે.

  આ પૂર્વે કેરળની પરિસ્થિતિનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હવાઈ નિરીક્ષણ કરી કેરળના મુખ્યમંત્રી પી.વિજયનની સાથે મુલાકાત કરી હતી. પૂરથી કેરળને લગભગ રૂ.19,220 કરોડનું નુકસાન ગયું છે, જેની સામે કેન્દ્ર સરકારે રૂ.500 કરોડની સહાય જારી કરી છે. આ પૂર્વે ગૃહ મંત્રી રાજનાથસિંહ રૂ.100 કરોડની મદદની જાહેરાત કરી ચુક્યા હતા

  કેરળના પૂરગ્રસ્તોને મદદરૂપ થવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રૂ.10 કરોડની ઘોષણા કરી છે, જયારે બીજી તરફ ઉત્તરપ્રદેશના પોલીસ કર્મચારીઓ તેમનો એક દિવસનો પગાર રાહત પેટે આપશે। આ ઉપરાંત દેશ-દુનિયાના વિવિધ હિસ્સાઓમાંથી કેરળના અસરગ્રસ્તો માટે મદદનો પ્રવાહ શરુ થઇ ગયો છે
  Published by:Kaushal Pancholi
  First published: