2019માં બીજેપી ફરી ચૂંટાશે તો ભારત 'હિન્દુ પાકિસ્તાન' બની જશેઃ શશિ થરૂર

શશી થરૂર (ફાઈલ તસવીર)

 • Share this:
  બીજેપીની 'હિન્દુત્વ વિચારધારા' પર હુમલો કરતા કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું છે કે જો બીજેપી 2019માં પણ લોકોસભાની ચૂંટણી જીતી જાય છે તો તેનાથી 'હિન્દુ પાકિસ્તાનનું નિર્માણ' થશે. બુધવારે તિરુવનંતપુરમમાં એક કાર્યક્રમને સંબોધન કરતા થરૂરે કહ્યું હતું કે બીજેપી એક નવું જ બંધારણ લખશે જે એક એવા દેશ માટે રસ્તો તૈયાર કરશે જે પાકિસ્તાન જેવો હશે, જ્યાં લઘુમતિઓના અધિકારોનું સન્માન નહીં કરવામાં આવે.

  ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા પ્રમાણે થરૂરે કહ્યું હતું કે, "જો તે (બીજેપી) લોકસભામાં ફરીથી જીતી જાય છે તો આપણું લોકતાંત્રિક બંધારણ આપણે જેવું સમજીએ છીએ એવું નહીં રહે. કારણ કે ભારતના બંધારણને અલગ કરવા અને એક નવું બંધારણ લખવા માટે તેમની પાસે જરૂરી તમામ તત્વો હશે."

  શશિ થરૂરે કહ્યું, "તેઓ હિન્દુ રાષ્ટ્રના સિદ્ધાંતોને સ્થાપિત કરશે, જે લઘુમતિઓ માટે સમાનતાને દૂર કરશે. આનાથી એક હિન્દુ પાકિસ્તાન બનશે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મૌલાના આઝાદ અને મહાન નાયકોએ આ માટે આઝાદીની લડત લડી ન હતી."

  થરૂરના આ નિવેદન પર બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. તેમણે માંગણી કરી હતી કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ નિવેદન પર માફી માંગવી જોઈએ. સંબિત પાત્રાએ ટ્વિટ કર્યું કે, "શશિ થરૂરનું કહેવું છે કે બીજેપી 2019માં ચૂંટાઈને આવશે તો ભારત 'હિન્દુ પાકિસ્તાન' બની જશે." ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે પાત્રાએ કહ્યું હતું કે, શશિ થરૂરના નિવેદન પર રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. કોંગ્રેસ, પાકિસ્તાન બનવા માટે જવાબદારી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: