સુપ્રીમ અને હાઇકોર્ટના જજોની નિવૃત્તિ વય મર્યાદા વધારી શકે છે સરકાર

News18 Gujarati
Updated: July 18, 2018, 11:35 AM IST
સુપ્રીમ અને હાઇકોર્ટના જજોની નિવૃત્તિ વય મર્યાદા વધારી શકે છે સરકાર
સુપ્રીમ કોર્ટ

  • Share this:
કેન્દ્ર સરકાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ફરજ બજાવી રહેલા ન્યાયાધીશોની નિવૃત્તિની વય મર્યાદા વધારવા પર ફેર વિચારણા કરી રહી છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જજોની રિટાયર્મેન્ટની ઉંમર 65 વર્ષથી વધારીને 67 વર્ષ, હાઇકોર્ટના જજોની રિટાયર્મેન્ટ ઉંમર 62 વર્ષથી વધારીને 64 વર્ષ કરવા પર સરકાર વિચારી રહી છે.

નોંધનીય છે કે ન્યાયાધીશોની નિવૃત્તિની વય મર્યાદા વધારવા માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી બનશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર બુધવારથી શરૂ થઈ રહેલા ચોમાસું સત્રમાં સુધારા ખરડો રજૂ કરી શકે છે. સરકાર આ માટે ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની અછતનું કારણ આગળ ધરી શકે છે.

હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં જજોની અપૂરતી સંખ્યાને લઈને સંસદીય સમિતિએ સરકારને જજોની નિવૃત્તિ વય મર્યાદા વધારવાની ભલામણી કરી છે. સમિતિએ એવી પણ ભલામણ કરી હતી કે વિવિધ કોર્ટોમાં પડતર રહેલા કેસનો નિકાલ કરવા માટે જજોની ખાલી પડેલી બેઠકોને તાત્કાલિક ભરવામાં આવે તે જરૂરી છે. સાથે એવો અનુરોધ કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં ખાલી પડનાર તમામ જગ્યાઓ 1993માં સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા નિર્દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે.

સમિતિએ તેની સાથે જ વર્તમાન જજોની નિવૃત્તિ વય મર્યાદા વધારવાની ભલામણી કરતા કહ્યું કે, "આનાથી વર્તમાન જજોની સેવા વિસ્તારમાં મદદ મળશે અને જજોની અપૂરતી સંખ્યાને દૂર કરવામાં તેમજ પડતર કેસોના નિકાલ માટે મદદ મળી રહેશે."

કાયદા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશની 24 હાઇકોર્ટમાં 404 જજોની જગ્યા ખાલી છે. દેશની અલગ અલગ કોર્ટોમાં આશરે ત્રણ કરોડ જેટલા કેસ પેન્ડિંગ છે. અલાહાબાદ હાઇકોર્ટમાં 56, કર્ણાટક હાઇકોર્ટમાં 38, કોલકાતા હાઈકોર્ટમાં 39, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં 35, આંધ્ર અને તેલંગાણા હાઇકોર્ટમાં 30, બોમ્બે હાઈકોર્ટમાં 24 જજોની જગ્યા ખાલી છે.

આ પહેલા 2010ના વર્ષમાં તત્કાલિન યુપીએ સરકારે હાઈકોર્ટના જજોની નિવૃત્તિ વય મર્યાદા 62 વર્ષથી 65 વર્ષ કરવા માટે બિલ રજૂ કર્યું હતું. 2014માં 15મી લોકસભા ભંગ થવાથી આ બિલ રદ થઈ ગયું હતું.
First published: July 18, 2018, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading