નવી દિલ્હી : મહારાષ્ટ્ર પછી હવે ગોવામાં (Goa)રાજનીતિક ઉથલપુથલ (Goa Congress Crisis)જોવા મળી રહી છે. ગોવામાં કોંગ્રેસના (Goa Congress)11 ધારાસભ્યોમાંથી 5 બીજેપીમાં સામેલ થાય તેવી ચર્ચા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ આ મામલે હરકતમાં આવી ગયું છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકને ડેમેજ કંટ્રોલ માટે માટે ગોવા રવાના કર્યા છે. કોંગ્રેસ (Congress)પાર્ટીએ માન્યું કે તેના 11માંથી 5 ધારાસભ્યો સાથે સંપર્ક થઇ રહ્યો નથી. ગોવામાં કોંગ્રેસના ઇન્ચાર્જ દિનેશ ગુંડૂરાવે માઇકલ લોબો અને દિગંબર કામતનું નામ લઇને બીજેપી સાથે મળીને પાર્ટીમાં બળવો કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે બીજેપી મોટી રકમની લાલચ આપીને કોંગ્રેસના બે તૃતિયાંશ ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન કરી રહી છે.
કોંગ્રેસ પાર્ટીએ માઇકલ લોબો પર કાર્યવાહી કરતા તેમને ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી હટાવી દીધા છે. ગોવામાં કોંગ્રેસના ઇન્ચાર્જ દિનેશ ગુંડૂરાવે માન્યું કે માઇકલ લોબો અને પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત ગોવામાં કોંગ્રેસમાં બળવો સુનિશ્ચિત કરવા માટે ભાજપા સાથે મળીને ષડયંત્ર રચી રહ્યા હતા. પાર્ટીએ લોબોને વિપક્ષના નેતાના પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે. રાવે દાવો કર્યો કે પાર્ટીના પાંચ ધારાસભ્ય લોબો, કામત, કેદાર નાઇક, રાજેશ ફલદેસાઇ અને ડેલિયાલા લોબોનો સંપર્ક થઇ રહ્યો નથી.
ગોવામાં સત્તામાં રહેલી ભાજપા પાસે 20 ધારાસભ્યો છે અને તેને પાંચ અન્ય ધારાસભ્યોનું પણ સમર્થન છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 11 સીટો પર જીત મેળવી હતી. જેમાં 5 ધારાસભ્યોએ હાલ બળવો પોકાર્યો છે.
ગોવામાં કોંગ્રેસના ઇન્ચાર્જ દિનેશ ગુંડૂરાવે કહ્યું કે કોંગ્રેસ સાથે રહીને સત્તાની મજા લીધી પણ આજે આ લોકો લાલચી બની ગયા છે. હું માઇકલ લોબો અને દિગંબર કામતથી ઘણો નિરાશ છું. રાજનીતિમાં તેમારે સત્તા માટે નહીં સિદ્ધાંતો માટે લડવું પડે છે, સત્તા તો આવતી જતી રહે છે.
ચર્ચા છે કે કોંગ્રેસના નારાજ ધારાસભ્યો બીજેપીમાં સામેલ થઇ શકે છે. આવું ત્રણ વર્ષ પહેલા પણ બન્યું હતું. જ્યારે કોંગ્રેસના 10 ધારાસભ્યો બીજેપીમાં સામેલ થઇ ગયા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર