મુંબઈઃ નવા વર્ષેના બે દિવસ પહેલા મુંબઈના કમલા મિલ્સ કમ્પાઉન્ડ ખાતે લાગેલી ભીષણ આગમાં 14 લોકોનાં મોત થયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મોજો બિસ્ટ્રો રેસ્ટોરાંના હુક્કામાં ઉપયોગમાં લેવામાં આવતા કોલસાને કારણે આગ લાગી હતી. આ આગ બાદમાં 1Above Pub સુધી પહોંચી હતી. જેના કારણે આ પબમાં 14 લોકોનાં મોત થયા હતા. નોંધનીય છે કે પહેલા એવા રિપોર્ટ આવ્યા હતા કે આગ 1Above Pubમાં લાગી હતી અને ત્યાંથી બીજી જગ્યાએ ફેલાઈ હતી.
મુંબઈ ફાયર બ્રિગેડના રિપોર્ટ પ્રમાણે ગાર્ડે લોકોને બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો હતો પરંતુ તે રસ્તો બ્લોક થઈ ચુક્યો હતો. જેના કારણે લોકો આગથી બચવા માટે બાજુમાં આવેલા ટોયલેટમાં પુરાઈ ગયા હતા. જોકે, હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી કરવામાં આવી કે કઇ રેસ્ટોરાંએ જવાનો રસ્તો બ્લોક કરી રાખ્યો હતો.
ફાયર બ્રિગેડ ટીમના ચાર અધિકારીઓએ ઘટનાના એક અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે બંને રેસ્ટોરાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવી રહ્યા હતા. આ રિપોર્ટમાં 14 સાક્ષીઓની જુબાની પણ નોંધવામાં આવી છે.
રિપોર્ટ પ્રમાણે, જે લોકોએ ખતરો ભાળી લીધો હતો તેમણે ટોયલેટમાં જવાનું પસંદ કર્યું ન હતું. જોકે, ડરી ગયેલા લોકોએ બચવા માટે ટોયલેટમાં આશરો લીધો હતો. જેના કારણે શ્વાસ રૂંધાઈ જવાને કારણે તમામનાં મોત થયા હતા. મોજો બિસ્ટ્રો રેસ્ટોરાંમાં બંધ લોકો એ માટે બચી ગયા કારણ કે રેસ્ટોરાં આખી બંધ ન હતી, તે ઉપરના ભાગથી ખુલી હતી. જોકે, 1Above Pubના લોકો આટલા નસીબદાર ન હતા. આ રેસ્ટોરાં આખી બંધ હતી. રેસ્ટોરના વાંસ અને લાકડાથી તૈયાર કરવામાં આવી હતી જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. 15 પાનાનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આગ ફેલાઈ ગઈ હતી ત્યારે ફાયરબ્રિગેડ ત્યાં પહોંચી ગયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર